સતત બે વર્ષ સુધી લગ્ન સમારંભોને કારોનાનું ગ્રહણ લાગ્યા બાદ ગત શિયાળામાં બાંધછોડ સાથે લગ્ન સમારંભો યોજાયાં હતાં. પરંતુ વૈશાખ મહિનાના પ્રારંભથી શરૂ થઇ રહેલી ઉનાળુ લગ્નસરામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અખાત્રિજના દિવસે ઉત્તર ગુજરાતમાં એક જ દિવસમાં 10 થી 12 હજાર લગ્નો યોજાવાનો અંદાજ છે. બીજી બાજુ, કોરોના અને યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારી વધતાં લગ્ન ખર્ચમાં સરેરાશ 25 થી 35 ટકાનો વધારો થયો છે. ભૂદેવો મુજબ, મંગળવારે અખાત્રિજના પવિત્ર દિવસે લગ્નો ખાસ કરીને ગામડામાં વધુ યોજાયા છે.
લગ્નનો અંદાજ
2000 | મહેસાણા |
3000 | સાબરકાંઠા |
5000 | બનાસકાંઠા |
2500 | પાટણ |
700 | અરવલ્લી |
સાબરકાંઠા જિલ્લા મંડપ એસો.ના પ્રમુખ અશોકભાઇ સથવારા કહે છે, કાપડ સહિતના મટિરિયલ, કાર્ટિંગ, લેબરમાં અતિશય વધારો થયો છે. રૂ.100ની વસ્તુના ભાવ 150 થઇ ગયા છે. રૂ.300નો લેબર રૂ.500 લે છે. એકંદરે 25થી 35 ટકા જેટલો ખર્ચ વધ્યો છે.
જમણવાર - 30 થી 40% ખર્ચ વધ્યો
કેટરર્સ જગદીશ પ્રજાપતિએ કહ્યુું કે, મેઇનકૂક, વેઇટર, વાસણ ધોવાવાળા, શાકભાજી કાપવાવાળા વગેરે તમામના પગાર દોઢથી બે ગણા વધી ગયા છે. તેલ, અનાજ, કરિયાણુ, છાશ, દહીં, માવો, ક્રીમ વગેરેના ભાવ અતિશય વધ્યા છે. જે ડીશ રૂ.100થી 120માં નક્કી થતી, તેના ભાવ રૂ.160થી 180 કરવા પડ્યા છે. બે વર્ષમાં સરેરાશ 30 થી 40 ટકા ખર્ચ વધ્યો છે.
ગારમેન્ટ - 10 થી 15% ભાવ વધારો
લગ્નમાં ગણેશ સ્થાપન, ગ્રહશાંતિ, વરઘોડો, હલદી, જ્વારારોપણ, ગરબા સહિત પ્રસંગોએ અલગ અલગ વસ્ત્રાભૂષણનો ટ્રેન્ડ શરૂ થયો છે. અતુલભાઇ શાહ કહે છે, ગારમેન્ટમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. જ્યારે રેડિમેડમાં તો ગળાકાપ હરીફાઇ છે ગ્રાહક જ રાજા છે.
જ્વેલરી - ખરીદી પર કોઇ અસર નહીં
જ્વેલર્સ ગોપાલભાઇ સોનીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે રૂ.5 હજાર સુધી વધારો થયો છે અને વીસેક તોલાના દાગીના કરિયાવરમાં આપનારા પરિવારને આ ભાવ વધારાની કોઇ અસર થઇ નથી. ગોલ્ડ જ્વેલરી અને ઇમિટેશન જ્વેલરીનું આકર્ષણ જળવાઇ રહ્યું છે. લગ્નસરા માટે ઘરેણાંની ખરીદીમાં ભાવવધારાની ઝાઝી અસર થઇ નથી.
બેન્ડ-ડીજે - 20 થી 25% ભાવવધ્યા
કિરણભાઇ વાઘેલાએ જણાવ્યું કે, એક પ્રસંગમાં સરેરાશ 51 હજાર બિલ બનતું હતું. તેના અત્યારે 70 થી 80 હજાર થઇ ગયા છે. બે વર્ષ અગાઉ કારીગરને રૂ. 300-400 આપતા હતા, અત્યારે રૂ.750 થઇ ગયા છે. ડીજે 5 હજારમાં જતું હતું, તેના 7 થી 8 હજાર લેવાય છે.
ફૂલ શણગાર - દોઢ લાખ સુધીનો ખર્ચ
લગ્ન પ્રસંગમાં મંડપ, ચૉરી, મુખ્યદ્વાર, પેસેજમાં ફૂલોનો શૃંગાર કરાય છે. સુભાષભાઇ માળીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષની સરખામણીમાં સુશોભન માટે વપરાતાં ફૂલનાં ભાવ બમણાં થઇ ગયા છે. એક લગ્ન પ્રસંગમાં ફૂલનો ખર્ચ રૂ.10 હજારથી માંડી ક્ષમતા પ્રમાણે 5 લાખ સુધી પહોંચી જશે.પાટણના ડેકોરેટર્સ મનીષ રાવલ કહે છે પૂણેના ફૂલો અમદાવાદથી લાવવા પડે છે.
બ્યુટીપાર્લર - 0-30%નો ભાવવધારો
ફેમિલી સલૂનના વસંતભાઇ નાયી મુજબ, મેકઅપ મટિરિયલ, કોસ્મેટિક્સ, બ્રાઇડલ મેક અપ મટિરિયલના ભાવ 20 થી 30 ટકા વધ્યા છે. મેકઅપ આર્ટિસ્ટનું મહેનતાણું પણ વધ્યું છે. ડોર સ્ટેપ સર્વિસ સહિત ફેમિલી સલૂન સર્વિસમાં કામ પ્રમાણે 20 થી 30 ટકા ખર્ચ વધી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.