પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે આજે મોહનલાલ પટેલ અને ઉમાશંકર જોશી વ્યાખ્યાન માળા યોજાઇ. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જે જે વોરાના અધ્યક્ષસ્થાને અને રજિસ્ટ્રાર ડો. રોહિત દેસાઇ તેમજ તજજ્ઞ વક્તા ડો.મફતલાલ પટેલ, ડો. ઋષિકેષ રાવલ અને વલ્લભભાઈની ઉપસ્થિતિ વચ્ચે વિવિધ વિભાગના અધ્યાપકો, વિધ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓએ આ વ્યાખ્યાનમાળાનું રસપાન કર્યું.
ભારતની નારી સદીઓથી સશક્તિકરણનું પ્રતિક
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જે જે વોરાએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક નગરી પાટણ એ ગુજરાતની રાજધાની હતી. અહીં મહાન વીરાંગના નાયકાદેવીએ મોહમ્મદ ઘોરીને મ્હાત આપી ભારતીય નારીશક્તિનો પરિચય કરાવ્યો હતો. જે ઘોરી ફરી ગુજરાત તરફ નઝર લગાવી નહોતી. પાટણ રાજમાતા મીનળદેવીનો ન્યાય, ઉદયમતીની કલાપ્રિયતા રાણીની વાવમાં દેખાય છે. ત્યારે ભારતની નારી સદીઓથી સશક્તિકરણનું પ્રતિક બની રહી છે.
મોહનલાલના સાહિત્યમાં પણ મનોવિજ્ઞાન
આ પ્રસંગે કેળવણીકાર પ્રો. મફતલાલ પટેલે ઉત્તર ગુજરાતનાં ઊંચા ગજાના સાહિત્યકાર મોહનલાલ પટેલના જીવન પર તેમના સાહિત્ય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આઝાદી સમયે મોહનભાઇ પટેલે ઊંચા ગજાનું સાહિત્ય રચ્યું છે. સાહિત્ય ક્ષેત્રે તેમણે 20 નવલકથાઓ, 133 વાર્તાઓ અને 500થી વધુ લઘુકથાઓ લખી છે. ત્યારે તેમના સાહિત્યમાં પણ મનોવિજ્ઞાન છે. તેમણે તેમના આ ઉત્તમ અનુભવોથી અનેક યુવાનોને કેળવ્યા હતા.
આજે સાહિત્ય ક્ષેત્રે દુકાળ
તો અધ્યાપક અને ઉમાશંકર જોશીના સાહિત્યના અભ્યાસુ આશુતોષ રાવલે જણાવ્યું હતું કે, ઉમાશંકર જોશી એ ઉત્તર ગુજરાતનું સાહિત્ય ક્ષેત્રનું અણમોલ ઘરેણું. તેમણે ગુજરાતી ભાષાના વૈભવને ઊંચેરું સ્થાન આપ્યું. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ચાર જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યા. જેમાંથી બે ઉત્તર ગુજરાતમાં એક ઉમાશંકર જોશી અને બીજો પન્નાલાલ પટેલને મળ્યો. તેમની જાણીતી કૃતિઓ વસંત વર્ષા, નિશીથ, મહાપ્રથાન, પ્રાચીના જેવા કાવ્ય સંગ્રહો, ઉપરાંત નાટકો, નવલકથાકાર, પત્રકાર તરીકેની સેવાઓ સમાજ માટે પ્રેરણા રૂપ છે. તેમણે વિદ્યાર્થીઓને મીઠી ટકોર કરી જણાવ્યું હતું કે, સાહિત્યનુ વાંચન એટલું જ જરૂરી છે જ્યારે તમે નવું સાહિત્ય રચી શકો. આજના વિદ્યાર્થીઓ સાહિત્ય રચતાં નથી એટલે તે ક્ષેત્રે દુકાળ જોવા મળે છે.
અધ્યાપકોને ચેક વિતરણ કરાયા
સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના લાઇબ્રેરીયન કનકબાળા જાનીએ કર્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના 10 જેટલા અધ્યાપકોને સંશોધન હેતુ ચેક વિતરણ અને સંશોધન મંજૂરી પત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે રજિસ્ટ્રાર ડો રોહિતભાઈ દેસાઇ, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો. કમલ મોઢ સહિત વિવિધ વિભાગના અધ્યાપકો વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.