માંગ:જિલ્લામાં મનરેગાના કર્મચારીઓનો છ વર્ષથી પગાર વધારો ન થતાં દેખાવ કર્યા

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પગાર વધારાની માગણી સાથે સાંતલપુર, સરસ્વતી અને રાધનપુર ખાતે મનરેગાના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી દેખાવ કર્યા હતા - Divya Bhaskar
પગાર વધારાની માગણી સાથે સાંતલપુર, સરસ્વતી અને રાધનપુર ખાતે મનરેગાના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી દેખાવ કર્યા હતા
  • જિલ્લાના 100 જેટલા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી પગાર વધારો આપવા માંગ કરી
  • માંગ નહીં સંતોષવામાં આવે તો કર્મચારીઓની ગાંધી ચિંધ્યા માર્ગે દેખાવ કરવાની ચીમકી

કેન્દ્ર સરકારની મનરેગા યોજનાના કરાર આધારીત કર્મચારીઓને છેલ્લા છ વર્ષથી પગાર વધારો ચૂકવવામાં ન આવતા બુધવારે મનરેગા કર્મચારી સંગઠનના નેજા નીચે પાટણ જિલ્લામાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી દેખાવો કર્યા હતા અને પગાર વધારે ચૂકવવા માટે માગણી કરી હતી.પાટણ જિલ્લામાં મનરેગા યોજનામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ 100 જેટલા કરાર આધારિત કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. મનરેગા યોજનામાં કરારની શરતો અને ઠરાવ મુજબ કર્મચારીઓને દર વર્ષે 15 ટકા પગાર વધારો આપવાની જોગવાઈ છે.

પરંતુ કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા છેલ્લા છ વર્ષથી પગાર વધારો ચૂકવવામાં આવ્યો નથી ત્યારે ગુજરાત રાજ્ય મનરેગા કર્મચારી સંગઠનના નેજા નીચે બુધવારે મનરેગાના તમામ કર્મચારીઓએ પગાર વધારો ચૂકવવાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી દેખાવો કર્યા હતા. આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં કર્મચારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર દેખાવો કરવામાં આવશે. તેવું મનરેગા કર્મચારી સંગઠનના સૂત્રોએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...