પાટણ શહેરમાં ઉનાળા શરૂ થતા ઠંડા પીણા અને શેરડી રસના કોલા શરૂ થઈ રહ્યા છે ત્યારે તમામ વિસ્તારમાં એકસરખો વહીવટી ચાર્જ ન લેવા અને ફાળવેલી જગ્યા કરતાં વધારે કબજો ન થાય તેની તકેદારી રાખવા નગરપાલિકાના સભ્યો દ્વારા સૂચન કરાયું હતું. નગરપાલિકાને આવક થાય તે માટે એક પણ વ્યક્તિ વહીવટી ચાર્જ ભર્યા વગર ધંધો ન કરી શકે તે જોવા પણ કારોબારી સભામાં ટકોર કરવામાં આવી હતી.
શહેરના મધ્ય બજાર અને હાઇવે તેમજ અંદરના વિસ્તારોમાં બરફ ગોળા, ઠંડા પીણા,સોડા શરબત ,શેરડી રસ વગેરેના સિજનેબલ ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે. આવા ફેરીયાઓ પાસે તેમને પરવડે તેવો ચાર્જ લેવો જોઈએ તેવી રજૂઆત નગરપાલિકાની કારોબારી બેઠકમાં કરી હતી.
કોર્પોરેટર હરેશભાઈ મોદી વગેરેએ જણાવ્યું હતું કે શેરડીના રસ તેમજ અન્ય લારીઓ ચલાવતા માણસો ગરીબ વર્ગના હોય છે તેમની પાસેથી રૂપિયા 9,000 જેટલું ભાડું દરેક વિસ્તારો માટે બરાબર નથી. મુખ્ય બજાર અને ધમધમતા વિસ્તારોમાં ઘરાકી સારી મળતી હોય ત્યાં ધંધો રોજગાર કરતા લોકોને પરવડી શકે પરંતુ શહેરના અંદરના વિસ્તારોમાં ઉભેલા લારીધારકોને ઘરાકી ઓછી હોય તો તેમને પરવડે નહીં .એટલે અભ્યાસ કરીને વ્યવસાયકારોને પરવડે તેવું ભાડું વસુલ કરવું જોઈએ. ઉપરાંત પાલિકા દ્વારા ફાળવી હોય તેનાથી વધારે જગ્યા રોકવામાં આવે તો કાર્યવાહી કરવી જોઈએ. કેટલાક ફેરીયાઓ ખાનગી દુકાન કે ઘરમાંથી લાઈટ જોડાણ મેળવી ધંધો કરતા હોય છે. તેવામાં નગરપાલિકાને કોઈ આવક થતી નથી.તેની પણ તપાસ થવી જોઈએ.
પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે વીજ કંપની ના નાયબ ઇજનેરને પાલિકામાં પૈસા ભર્યાની પાવતી રજૂ થાય તો જ હંગામી વીજ જોડાણ આપવા પત્ર લખ્યા છે તેમજ ખાનગી રીતે લીધેલા વીજ જોડાણ અંગે તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવા ધ્યાન વીજ તંત્રનું દોરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.