પાટણ નગર નિયોજક કચેરીના રેકર્ડમાંથી પ્લોટનો નકશો કાઢી આપવા માટે રૂ.13000ની લાંચ લેતા પાટણ ACBએ સિદ્ધપુરથી મહેસાણાનગર નિયોજક કચેરીમાં ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીને રંગેહાથ પકડી લીધો હતો.
પાટણ જિલ્લાની ખેતીની જમીનમાં એન.એ કર્યા બાદ એક વ્યક્તિને પ્લોટીંગ કરવાનું હતું તેનો દસ્તાવેજ બનાવવા માટે તેમને પ્લોટના નકશાની જરૂર હોવાથી પાટણ નગરનિયોજક કચેરીના રેકર્ડમાંથી તે નકશો કાઢી આપવા માટે અગાઉ પાટણ ખાતે ફરજ બજાવતા અને થોડા દિવસ પહેલા મહેસાણાનગર નિયોજકની કચેરીમાં બદલી પામેલા વર્ગ ત્રણના કર્મચારી રેખનકાર કેશાભાઈ ઉર્ફે કેશુભાઈ નારણભાઈ પટેલે રૂ.13000ની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા જેથી તેમણે એસીબી નો સંપર્ક કરી આ બાબતની ફરિયાદ આપી હતી.
પાટણ એસીબીની ટીમે સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પર ગુરુવારે ટ્રેપ ગોઠવી હતી. જેમાં કેશુભાઈ પટેલ અરજદાર પાસેથી ₹13,000ની લાંચ લેતા રંગે હાથ પાટણ એસીબી પી.આઈ એમ.જી.ચૌધરી અને તેમની ટીમે પકડી પાડ્યા હતા. એસીબીએ લાંચ લેનાર આરોપી કેશાભાઈ પટેલને ડીટેન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના જિલ્લા સેવા સદન ખાતે બ્લોક નંબર બેમાં ત્રીજા માળે આવેલી નગર નિયોજકની કચેરીમાં કેશાભાઈ પટેલ 1 નવેમ્બરે પાટણથી બદલી થઈ હાજર થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.