વેક્સિનેશન:પાટણ જિલ્લામાં આજે મૅગા વેક્સિનેશન ઝુંબેશ, હજુ 3.80 લાખ લોકો રસી વિનાના

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મેગા વેકસિન ડ્રાઇવના આયોજન માટે કલેક્ટરે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મિટિંગ કરી - Divya Bhaskar
મેગા વેકસિન ડ્રાઇવના આયોજન માટે કલેક્ટરે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મિટિંગ કરી
  • અફવાઓથી દૂર રહી રસી લેવા અનુરોધ કરતાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મૅગા વેક્સિનેશન કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં એક લાખ અન પાટણ શહેરમાં 20,000 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. કોરોના સામે રસીકરણ જ અમોઘ શસ્ત્ર છે. ત્યારે છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા વેક્સિનેશનને વેગ આપવા 18 વર્ષથી વધુ ઉમર ધરાવતા નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી લેવા જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા દ્વારા અપીલ કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, કોરોના મહામારીથી સુરક્ષિત રહેવા માટે આપણા જિલ્લામાં લગભગ છેલ્લા પાંચ મહિનાથી રસીકરણ કાર્યક્રમ ચાલુ છે. પરંતુ અત્યાર સુધી પાટણ જિલ્લામાં ત્રણ લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો નથી. જ્યારે આશરે 80 હજાર લોકોએ રસીના બીજા ડોઝથી વંચિત છે. આ 3.80 લાખ લોકોને આવરી લેવા માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યું છે. આ 3.80 લાખ લોકોને અનુરોધ છે કે પહેલો અને બીજો ડોઝ લઈને આપણે અને આપણા પરિવારને કોરોનાથી સુરક્ષિત રાખીએ અને કોરોના મહામારી સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપીએ.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, કોરોના વાયરસ કોઈપણ પ્રકારના નાત, જાત, ધર્મ, પંથ, ભાષા કે સરહદો જોતો નથી. કોરોનાને હરાવવાનો એકમાત્ર વિકલ્પ વેક્સિનેશન છે, માટે અફવાઓથી દૂર રહી રસી લઈ આપણી અને આપણા પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરીએ. 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક લોકો રસીકરણ કરાવી વેક્સિનેશન મૅગા કેમ્પેઈનને સફળ બનાવીએ.

અન્ય સમાચારો પણ છે...