તબીબનો મામલો જીએમસી સુધી પહોંચ્યો:પાટણના એમ.ડી. ડોક્ટરના રજિસ્ટ્રેશન અને નામ અંગે સવાલો ઉઠ્યા, આઇએમએના વોટ્સએપ ગ્રુપમાંથી રિમુવ કરાતાં વિવાદ વકર્યો

પાટણ20 દિવસ પહેલા
  • મામલો મેડીકલ કાઉન્સિલ ઓફ ગુજરાત (એનએમસી) સુધી પહોંચ્યો, બેઠકમાં આ અંગે ચર્ચા થશે
  • ડોક્યુમેન્ટમાં નંબર-નામ અલગ જોવા મળ્યા, ફોટોએડિટ થી કરેલ જોવા મળ્યો - પાટણ આઇએમએ પ્રમુખ

મેડિકલ નગરી પાટણમાં એક એમડી ફિઝિશિયન ડોક્ટરના રજીસ્ટ્રેશન અને તેમાં તેમના નામને લઈને વિવાદ ઉભો થતાં આ સમગ્ર મામલો પાટણ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની જવા પામ્યો છે. એટલું જ નહીં આ સમગ્ર મામલો ગુજરાત મેડિકલ કાઉન્સિલ ખાતે પહોંચ્યો છે, જેના પર ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવાનારો હોવાથી સૌની નજર મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત તરફ મંડાઇ છે.

પાટણ શહેરના તબીબી વર્તુળમાં થતી ચર્ચાઓ મુજબ પાટણ શહેરના નવા બસ સ્ટેશન રોડ પર ભગવતી નગરની લાઈનમાં હોસ્પિટલ ધરાવતા ડો. યોગેશ બી. પટેલની એમડી ફિઝિશિયનની ડીગ્રીમાં મેડિકલ રજીસ્ટ્રેશનમાં નામને લઈને અવનવી ચર્ચાઓ બહાર આવતાં આઈએમએ પાટણ તેમજ તબીબી વર્તુળમાં આ બાબત ચર્ચાનો મુદ્દો બની જવા પામી છે.

મળતી માહિતી મુજબ ડો. યોગેશ બી. પટેલના રજીસ્ટ્રેશન વર્ષમાં તેમની જગ્યાએ બીજા કોઈ ડોક્ટરનું નામ બોલે છે એટલું જ નહીં ડો. યોગેશ પટેલના નામમાં યોગેશ બાબુલાલ પટેલ અને યોગેશ ભરતભાઈ પટેલ એવું પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર મામલો વિવાદાસ્પદ બની જતા પાટણ આઈએમએના ડોક્ટરોના વોટ્સએપ ગ્રુપમાંથી આ ડોક્ટરને રિમુવ કરવામાં આવતા આ સમગ્ર બાબત શંકાના દાયરામાં આવી જતા તે ટોક ઓફ ધી ટાઉન બની જવા પામી છે.

આ બાબતે પાટણ જિલ્લા આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર્યનો સંપર્ક કરતા સંપર્ક થયો નહોતો.

પરંતુ પાટણ આઇએમએના પ્રમુખ ડો. હિનેસ મોદીનો ટેલિફોનિક સંપર્ક કરતાં ડો. યોગેશ પટેલને વોટ્સએપ ગ્રુપમાંથી કેમ રિમુવ કરાયા તે અંગે તેમણે જણાવ્યું હતું કે એમની પાસે એમબીબીએસ કે એમડીની ડીગ્રી નથી એટલે એમને ગ્રુપમાંથી રિમુવ કર્યા છે અને સ્ટેટમાં જાણ કરી છે. અમને સ્ટેટમાંથી જાણ કરાઈ હતી કે પાટણમાં નવા ડોક્ટરની ડીગ્રી ચેક કરો એટલે અમે બધા ડોક્ટરના ડોક્યુમેન્ટ સ્ટેટમાં મોકલ્યા હતા. ત્યાં તપાસ કરતાં ડોક્યુમેન્ટ તેમજ નંબર અલગ નામ અલગ જોવા મળ્યા હતા અને ફોટો એડિટ થી કરેલો જોવા મળ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઈએમએ પાસે સત્તા નથી એટલે ગવર્મેન્ટ ચેક કરશે અને આગળનું એક્શન લઇ કલેક્ટર અને ડીડીઓને રજૂઆત કરશે અને સ્ટેટમાં પણ જાણ કરશે. જે એક્શન લેવાના થશે તે સ્ટેટ મેડીકલ કાઉન્સિલ કરશે. પાટણ આઈએમએ કોઈ એક્શન લઈ શકે નહીં. એટલે તેમને ગ્રુપમાંથી રિમુવ કરાયા હતા.

આમ, મેડિકલની નગરી ગણાતા પાટણ શહેરના એક એમડી ડોક્ટર તેમના રજીસ્ટ્રેશન અને નામને લઈને ચર્ચામાં આવી જતાં પાટણના તબીબી વર્તુળ ઉપરાંત લોકમુખે પણ તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે. જો કે હવે મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આ બાબતે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. જો કે હોસ્પિટલની મુલાકાત લેતા હોસ્પિટલે તાળાં લાગેલાં જોવા મળ્યાં હતાં અને ડૉ. યોગેશનો સંપર્ક થઈ શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...