તૈયારી:પાટણ શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા માસ્ક અને દવાઓની કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે શહેરની સંસ્થાના પ્રતિનિધિઓ સાથે કલેક્ટરે બેઠક યોજી

રાજ્યભરમાં કોરોના વાયરસ અને તેના નવા સ્ટ્રેન ઓમિક્રોનના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કોવિડની બીજી લહેરના સમયમાં જિલ્લા વહિવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સંકલનમાં રહી કરેલી કામગીરી મુજબ આગોતરી તૈયારી હાથ ધરવા ચર્ચા કરવામાં આવી.

સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, જે રીતે કોરોના વાયરસ અને ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે તેની તીવ્રતા જોતાં અત્યારથી તે પ્રમાણે તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. ઓમિક્રોન વધુ ચેપી છે પરંતુ હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ હાલની સ્થિતિએ ઓછુ છે ત્યારે ઝડપી નિદાન સાથે પ્રાથમિક સારવાર માટેની દવાઓની કીટ તૈયાર કરી રાખવી જોઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓએ શહેરના વોર્ડવાઈઝ જવાબદારી સ્વિકારી તંત્રની સાથે કદમ મિલાવી જનજાગૃતિ, ટેસ્ટીંગ, સરવેલન્સ અને દવા વિતરણ સહિતની કામગીરીમાં સહયોગ આપવા અપીલ છે.

વધુમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, પોલસ વિભાગ અને નગરપાલિકા દ્વારા કોવિડના નવા વેરિયન્ટ અને કોવિડ ગાઈડલાઈનના સુચારૂ પાલન અંગે લોકોમાં જાગૃતિ કેળવવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર સરવેલન્સ, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓનું વિતરણ, વોર્ડદીઠ ધન્વંતરી રથ ઉપરાંત ખાનગી તથા સરકારી તબીબો દ્વારા ઓ.પી.ડી.ની સંખ્યામાં વધારો કરી ત્વરીત નિદાન સહિતના પગલા લેવામાં આવશે.

જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોના વાયરસના નવા કેસ નોંધાયા નથી ત્યારે કોવિડના સંક્રમણને વધતું અટકાવવા સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા વહિવટી તંત્રને દરેક તબક્કે સહયોગ આપવા ઉપરાંત પેસેન્જર કાર, એસ.ટી. સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને શાકભાજી બજાર સહિતના સ્થળોએ માસ્ક તથા દવાની કીટનું નિઃશુલ્ક વિતરણ કરવાની જવાબદારી સ્વિકારી હતી. શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ કલેક્ટરની અપીલ મુજબ વિવિધ જવાબદારીઓને સ્વયંભૂ સ્વીકારી લીધી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, મદદનીશ કલેક્ટર સચિનકુમાર, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એ.આર્ય સહિતના અધિકારીઓ ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ તથા શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...