તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યુષણ પર્વ:પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં પર્યુષણ પર્વ પ્રસંગે યોજાયા અનેક કાર્યક્રમ

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અહિંસાનું સંપૂર્ણ પાલન કરતું પર્વ એટલે પર્યુષણઃ ચારિત્રરત્ન વિજય મહારાજ
  • ચારિત્રરત્ન વિજયજી મહારાજે પર્વની મહિમા સમજાવી

પર્યુષણ પર્વની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણાની નિશ્રામાં યોજાયેલા પર્યુષણ મહાપર્વની આઠ દિવસીય આરાધનાના પ્રસંગે ચારિત્રરત્ન વિજયજી મહારાજે પર્વની મહિમા સમજાવી હતી. તેઓએ જણાવ્યું કે, જૈન ધર્મની સંસ્કૃતિ હંમેશાં ત્યાગ અને તપપ્રધાન રહેલી છે.

ત્યાગએ સમગ્ર જગતનું રત્ન
જીવનની સફળતા રાગમાં નહીં, પણ ત્યાગમાં છે. ભોગમાં નહીં પણ યોગમાં છે. વાસનામાં નહીં પણ ઉપાસનામાં છે. પરિગ્રહ-સંગ્રહમાં નહીં પણ દાન અને ઉદારતામાં છે. ત્યાગ ઉપયોગી અને અનુપયોગી એમ બંને વસ્તુઓનો કરવામાં આવે છે. જ્યારે દાન ઉપયોગી વસ્તુનું કરવામાં આવે છે. ભોગોની પ્રાપ્તિ કરતાં તેમનો ત્યાગ ચડિયાતો છે. ત્યાગએ સમગ્ર જગતનું રત્ન છે, જ્યારે ભોગી કીચડમાં ફસાયેલો પામર પ્રાણી છે.

અહિંસાનું સંપૂર્ણ પાલન કરતું પર્વ એટલે પર્યુષણ

આસક્તિનો ત્યાગ કરી અનાસક્તિયોગ તરફ સ્થિર થવું એનું નામ પર્યુષણ, મહાપુરુષોના ગુણોનું ચિંતન કરતાં કરતાં આત્મકલ્યાણની પ્રાપ્તિ કરવાનો અમૂલ્ય અવસર એટલે પર્યુષણ. આ પર્વ આત્મ જાગરણનું પર્વ છે. પર્યુષણ પર્વની ઉજવણી નહીં, પણ ઉપાસના કરવાની છે. અહિંસાનું સંપૂર્ણ પાલન કરતું પર્વ એટલે પર્યુષણ.

અનેક ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો યોજાયા
મુનિરાજે કહ્યું કે, પર્યુષણ પર્વ એટલે આત્માની નિકટતા પ્રાપ્ત કરવાનું પર્વ. વિભાવથી સ્વભાવ તરફ વળવાનું પર્વ. જીવનની સરગમ પર સ્નેહના સૂર છેડતું પર્વ, તૂટેલાં દિલોના તારને સાંધતું પર્વ. પર્યુષણ પર્વ એટલે ભીતરને બદલવાનું પર્વ. પર્વને લઈ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં પ્રવચન સહિત અનેક ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે નગર પાલિકા ચીફ ઓફિસર પાંચા માળીએ મુનિરાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને તપસ્યા કરનારા ભાઈ બહેનોને તેમજ જૈન સમાજનાં લોકોને પર્યુષણ પર્વની શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...