સન્માન:પાટણમાં માલધારી સમાજ દ્વારા પ્રખર ગાંધીવાદી અને ઝીલીયા આશ્રમના સ્થાપક માલજીભાઈ દેસાઈની રજતતુલા કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદ્મશ્રી માલજીભાઇ દેસાઇની 85 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી
  • રજતતુલાની રાશીમાંથી જે પણ રકમ એકત્રીત થશે તે રકમ શિક્ષણ, આરોગ્ય અને કુદરતી આપત્તિ સમયે વાપરવાની જાહેરાત કરી

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત માલધારી સમાજ તેમજ શૈક્ષણિક-સહકારી અને સ્વૈચ્છીક સંસ્થાઓના સંયુકત ઉપક્રમે પ્રખર ગાંધીવાદી ઝીલીયા આશ્રમના સ્થાપક પદ્મશ્રી માલજીભાઇ દેસાઇનો રજતતુલા અને દાતાઓનો સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ વડવાળા મહંત કનીરામબાપુની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો.

સમગ્ર ગુજરાતમાં વસતા માલધારી સમાજનું ગૌરવ એવા પ્રખર ગાંધીવાદી અને ઝીલીયા આશ્રમને વટવૃક્ષ બનાવનારા માલજીભાઇ દેસાઇને તાજેતરમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજીત કરવામાં આવ્યા છે. ત્યારે તેમના આ ગૌરવને લઇ સમગ્ર માલધારી સમાજનો માન-મોભો અને પ્રતિષ્ઠા વધી છે. ત્યારે આજે યુનિવર્સિટીના હેલીપેડના વિશાળ ગ્રાઉન્ડ ખાતે માલધારી સમાજના સંતો-મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે તેમનો રજતતુલા કાર્યક્રમ યોજાયો હતો.

સૌ પ્રથમ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. ત્યારબાદ પદ્મશ્રી માલજીભાઇ દેસાઇનું મહંત કનીરામબાપુના હસ્તે ચાંદીના વડની પ્રતિકૃતિ આપી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજક સમિતીના કાર્યકરો દ્વારા માલજીભાઇ દેસાઇનું ચાંદીની લાકડી તેમજ અન્ય ભેટસોગાદો આપી વિશેષ સન્માન કરાયુ હતું. ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું સુતરની આંટી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સંબોધતા પ્રખર ગાંધીવાદી માલજીભાઇ દેસાઇએ સૌ પ્રથમ રજતતુલાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરનારા તમામ આયોજક સમિતિઓના કાર્યકરોનો હૃદયથી આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે તેઓએ પોતાના બાલ્યાવસ્થાના શૈક્ષણિક કાર્યથી લઇ સેવાદળમાં જોડાયેલ જીવનસફરની યાદોને તાજી કરી હતી. તેઓએ ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજીત કરવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યકત કરતા તેઓની આંખ અશ્રુભીની થઇ ગઇ હતી અને ગદગદિત અવાજે ભારત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

આ ઉપરાંત તેઓએ રજતતુલાની રાશીમાંથી જે પણ રકમ એકત્રીત થાય તે તમામ રકમ શિક્ષણ, આરોગ્ય અને કુદરતી આપત્તિ સમયે વાપરવાની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઇએ પ્રાસંગિક ઉદ્ધબોધનમાં આજના વર્તમાન ટેકનોલોજી યુગમાં સ્પર્ધાત્મક શિક્ષણમાં સમાજનો દરેક યુવાન શિક્ષણથી સજજ બને તેવો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ પ્રખર ગાંધીવાદી માલજીભાઇ દેસાઇની 85 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો સહિત સમાજના અગ્રણીઓ તેમજ સમસ્ત સમાજના લોકોએ તેમને હરખભેર વધાવી લીધા હતા.

એક એક રૂપિયો શિક્ષણ પાછળ વાપરવો પડશે
રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સમાજ પ્રગતિ કરી રહયો છે તે પણ કેટલાક લોકોને ગમતું નહીં હોય પરંતુ સમાજની પ્રગતિ માટે શિક્ષણની ખૂબ જ જરૂર હોય અન્ય વસ્તુઓમાં ખર્ચ કરવાના બદલે એક એક રૂપિયો શિક્ષણ પાછળ વાપરવો પડશે તો જ સમાજની પ્રગતિ થશે.

સમાજે હવે શિક્ષણ મંદિર બનાવવાની જરૂર છે
વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે સમાજ દ્વારા વિવિધ મંદિર બનાવવામાં આવ્યા છે પરંતુ હવે આજના સમયમાં સમાજે શિક્ષણના મંદિર બનાવવાની વધુ જરૂર છે. આ મંદિરો દ્વારા સમાજના બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે અને ઉચ્ચ કક્ષાના અધિકારી બનશે તો સમાજનો વધુમાં વધુ વિકાસ થશે.

  • 85 કિલો ચાંદી
  • 58 લાખ ચાંદીની કિંમત
  • 1200 જેટલી સાલથી સન્માનવામાં આવ્યા
  • 10000 લોકો હાજર
  • 91 કિલો ચાંદી રજતતુલા માટે ખરીદાઇ હતી
અન્ય સમાચારો પણ છે...