આજે ધનતેરસ:પાટણમાં મહાલક્ષ્મીજીને 11 લિટર ગાયના દૂધથી મહાઅભિષેક કરાશે

મહેસાણા/પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 879 વર્ષ પહેલાં રાજસ્થાનના ભીનમાલ પ્રદેશથી માતાજીને પાટણ શહેરમાં લવાયાં હતાં

પાટણના પ્રવેશદ્વાર ગણાતા બગવાડા દરવાજાથી લગભગ એક કિલોમીટર અંદર ત્રણ દરવાજાની જમણી બાજુ શ્રી મહાલક્ષ્મી પોળ છે. પોળના ચોકમાં પહોંચતાં 5 પગથિયાં ધરાવતાં 879 વર્ષ પુરાણા મંદિરના મુખ્યદ્વાર ઉપર શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરનું બોર્ડ લગાવેલું છે. મંદિરનાં પગથિયાં ચડતાં મંદિરના મુખ્યદ્વારથી શ્રી મહાલક્ષ્મીનાં દર્શન થાય છે. મંદિરનો બાહ્ય ભાગ જ્યાં આરસપહાણના પથ્થરોનો છે ત્યાં મંદિરના અંદરનો સાગના લાકડાંથી બનેલો ભાગ તેના ઐતિહાસિક નિર્માણની જુબાની આપે છે. 35 વર્ષ પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો.

મંદિરના પુજારી મયુરકુમાર બાબુલાલ પાંડેએ જણાવ્યું કે, વર્ષ દરમિયાન માતાજીને 2 વખત ગાયના દૂધનો મહા અભિષેક થાય છે. ધનતેરસ અને રંગપંચમીના પાટોત્સવ પ્રસંગે. શનિવાર સવારે 5 કલાકે મંદિરના દ્વાર બંધ કરી મંત્રોચ્ચાર સાથે 11 લિટર ગાયના દૂધના મહાઅભિષેક બાદ માતાજીને શણગાર આપવામાં આવે છે. શણગાર બાદ દર્શન સમયે ભક્તો માટે પૂજા સાથે પ્રસાદમાં અભિષેકના દૂધનું વિતરણ કરાય છે. સવાર અને સાંજના સમયે એમ 2 વખત મહાઆરતીના દર્શન થાય છે.

પુજારીની 10મી પેઢી માતાજીની સેવામાં
​​​​​​​આ અંગે પુજારી મયુરકુમારે જણાવ્યું કે, માતાજીની સેવામાં આ અમારી 10મી પેઢી છે. કહેવાય છે કે, 879 વર્ષ પહેલાં રાજસ્થાનના ભીનમાલ પ્રદેશથી માતાજીને પાટણ લવાયાં હતાં. 4 ફૂટની માતાજીની પ્રતિમાની સ્થાપના કરાઇ હતી. માતાજી કમળના આસન પર પદ્માસન મુદ્રામાં અહીં બિરાજમાન છે. તેમની આસપાસ 14 રત્ન દર્શાવેલાં છે. અહીં ફક્ત માતાજીના મુખારવિંદનાં દર્શન થાય છે. નવરાત્રી દરમિયાન મધરાતે માતાજીનો હવન અને દશમના દિવસે પલ્લી ભરાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...