આર્મી જવાનોનો વતન પ્રેમ:પાટણમાં રજાઓમાં ઘરે આવેલા આર્મીના જવાનો LRD ઉમેદવારોને કરાવે છે શારીરિક કસોટીની તૈયારી

પાટણ18 દિવસ પહેલાલેખક: સુનિલ પટેલ
  • દેશ સેવા કરવાનું સપનું જોનારા યુવાઓની વહારે આવ્યા પાટણના બે આર્મી જવાનો
  • પાટણમાં જીમખાના ખાતે તથા યુનિવર્સિટી મેદાનમાં સવાર-સાંજ શારીરિક કસોટીની તાલીમ આપે છે

ગુજરાત પોલીસમાં લાંબા સમય બાદ 10 હજારથી પણ વધુ જગ્યા માટે ભરતી બહાર પડી છે. જેમાં સાડા નવ લાખ જેટલા ઉમેદવારોએ સરકારી નોકરી મેળવવાની ઈચ્છામાં તૈયારી કરી રહ્યા છે. ઘણા ઉમેદવારો ટ્રેનર પાસે શારીરિક કસોટીની ટ્રેનિંગ લઈ રહ્યા છે, પરંતુ કોચની ફી ન ભરી શકનારા ગરીબ અને મધ્યમ વર્ગના ઘણા ઉમેદવારો જાતે જ દોડની તૈયારી કરી રહ્યા છે. ત્યારે પાટણમાં આર્મીના બે જવાનો પોલીસમાં જોડાઈને દેશ સેવા કરવાનું સપનું જોનારા ઉમેદવારોને શારીરિક કસોટીની તૈયારી કરાવી રહ્યા છે. શહેરમાં યુવાનોમાં નોકરી માટેની તૈયારીઓ જોઈને બંને જવાનોમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

જવાન ઉમેદવારોને શારીરિક કસોટીની તાલીમ આપે છે
દેશની સેવા માટે પોલીસ અને સૈન્યમાં જોડાવા ઈચ્છતા યુવાઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે પાટણમાં આર્મીમાં જોડાયેલા બે જવાનો શારિરીક કસોટીની ટ્રેનિંગ આપી રહ્યા છે. આર્મીમાં જોડાયેલા ભીલ નિલેશ અને ભીલ નિરવ પાટણ શહેરના જીમખાના ખાતે તથા યુનિવર્સિટી મેદાનમાં LRDના ઉમેદવારોને ટ્રેનિંગ આપી રહ્યા છે. બંને જવાનો રજાઓમાં ઘરે આવ્યા હતા. જોકે પરિવાર સાથે રહેવાને બદલે તેમણે અહીં પણ દેશ સેવાને જ મહત્વ આપ્યું. તેઓ મેદાન પર સવાર-સાંજ ઉમેદવારોને પ્રેક્ટીકલ પરીક્ષાની તૈયારીઓ કરાવી રહ્યા છે, જેમાં દોડવાની સાચી પદ્ધતિ, શારીરિક ક્ષમતાની જાળવણી, તેમજ વ્યક્તિગત પરીક્ષાના વિવિધ નિયમો અનુસારની તૈયારી માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, હાલમાં 500-600 જેટલા ઉમેદવારોને તૈયારી કરાવી રહ્યા છે.

પાટણમાં LRDની તૈયારી કરતી મહિલા ઉમેદવારો
પાટણમાં LRDની તૈયારી કરતી મહિલા ઉમેદવારો

આર્મી જવાન મિત્રો 9 અને 15 વર્ષથી સેનામાં
સૈન્યમાં ભીલ નિલેશ 9 વર્ષ અને ભીલ નિરવ 15 વર્ષથી ફરજ બજાવે છે. બંને જવાનોએ દિવ્યભાસ્કર જણાવ્યું હતું કે, રજા ઉપર પાટણ વતનમાં આવ્યા છીએ. ઉમેદવારોને ભરતીમાં પ્રેક્ટીકલ પરીક્ષાની તૈયારી કરવા માટેનો નિર્ણય લઈ મેદાનમાં તૈયારીઓ કરાવી રહ્યા છીએ. વધુમાં વધુ લોકો દેશ સેવામાં જોડાય તે માટેના અમારા પ્રયાસ છે. ભરતીમાં પ્રેક્ટિકલ પરીક્ષા કેવી રીતે પાસ કરવી તે બાબતે માર્ગદર્શન આપી પદ્ધતિસરની તૈયારી કરાવી રહ્યા છીએ. ઉમેદવાર લગનથી તૈયારી કરતા હોઈ અમને ખુશી છે.

'દેશ સેવામાં દીકરીઓને આગળ આવવા માતા-પિતાએ પ્રોત્સાહન આપવું જોઈએ'
લોકરક્ષક દળની ભરતીની તૈયારી કરતી અમિષા પ્રજાપતિએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આપણા સમાજમાં દેશસેવાની ફરજમાં દીકરીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. તેમના માતા-પિતા પણ દીકરીઓને આવી ફરજમાં જોડાવા માટે મનાઈ કરી રહ્યા હોય છે, પરંતુ મારું માનવું છે કે દેશની સેવા માટે વધુમાં વધુ દીકરીઓ આગળ આવે તે માટે તેમને મા-બાપ દ્વારા પ્રોત્સાહન આપવું જોઇએ અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે પ્રયાસ કરવા જોઈએ.

સવાર-સાંજ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે
સવાર-સાંજ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે

'નિષ્ફળતાથી નાસીપાસ ન થતા મહેનત રંગ લાવશે'
ઉમેદવાર જનસારી છાયાબેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, નિષ્ફળતાથી નાસીપાસ ન થવું જોઈએ. હું બે વાર ભરતીમાં સામાન્ય 75 પોઇન્ટ અને બે પોઇન્ટથી રહી ગઈ હતી. પરંતુ ફરી જોશ અને ઉત્સાહ સાથે મનોબળ મજબૂત કરીને વધુ બે કલાક તૈયારીઓ કરીને હાલમાં ફરી ભરતીમાં સિલેક્ટ થવા માટે તનતોડ મહેનત કરી રહી છું. દરેક ઉમેદવારને મારે એટલું જ કહેવું છે કે પહેલા જ પ્રયાસમાં સફળતા મળી જતી નથી. જેટલા નિષ્ફળ જશો એટલા જ વધુ અનુભવો સાથે તમે તૈયારીમાં મજબૂત બનશો. એક દિવસ જરૂર સફળ થશો. જેથી નિષ્ફળતા આવ્યા બાદ તૈયારી છોડી દેવી જોઈએ નહીં અને હતાશ થવું જોઈએ નહીં.