તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર રિયાલિટી ચેક:અડિયા,કુણઘેર,સંખારી,રણુજમાં કોવિડ કેર સેન્ટરને તાળાં, સંડેર ગામમાં સારી વ્યવસ્થા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ કેર સેન્ટરમાં દવાઓ, ઓક્સિજન સહિતની સુવિધાઓનો અભાવ

છેલ્લા એક માસથી પાટણ જિલ્લામાં કોરોનાના દરરોજ 100થી વધુ કેસ મળી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણ વધે નહીં તે માટે મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા હોવાનો તંત્રનો દાવો છે. સોમવારે દિવ્યભાસ્કરે 5 કોવિડ કેર સેન્ટર પર જઇ રિયાલિટી ચેક કરી હતી. જેમાં માત્ર સંડેર સિવાય અડિયા, કુણઘેર, સંખારી, રણુંજ ગામના કોવિડ કેર સેન્ટરમાં એકપણ દર્દી દાખલ નથી. ચારેય સેન્ટર પર તાળા લાગેલા હતા.

હારિજના અડિયા ગામે કોરોનાના કુલ 28 કેસ થયા છે. જેમાં હાલમાં પાંચ એક્ટિવ કેસ છે. 1મે થી ગામની પ્રાથમિક શાળા નંબર 2માં 6 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. પરંતુ દવાઓ, ડોક્ટર, ઓક્સિજન સહિતની કોઈ વ્યવસ્થા ન હોઈ હાલમાં એકપણ દર્દી દાખલ નથી. જેના કારણે સેન્ટર બંધ હતું.જો કે,સેવા માટે સરપંચે તેમની રીતે ઓક્સિજન બોટલની વ્યવસ્થા રાખેલી છે. ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઇ પટેલે જણાવ્યું કે કોવિડ કેર સેન્ટરનો સરકારનો ઉદેશ સારો છે.પરંતુ સરકારે સેન્ટરમાં તમામ વ્યવસ્થા કરવી જોઈએ.

પાટણના કુણઘેરમાં કુલ 25 કેસ અને 2ના મૃત્યુ થયા છે. હાલમાં 5 એક્ટિવ કેસ છે. ગ્રા.પં.ની મદદથી ચુડેલમાતા સંકુલમાં શરૂ કરેલા 15 બેડના કોવિડ કેર સેન્ટરમાં એકપણ દર્દી દાખલ ન હોઈ બંધ હાલતમાં છે. લોકો ઘરે આઇશોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. દાતા નારણભાઈ પટેલે રૂ.1.45 લાખના ખર્ચે દવાઓની વ્યવસ્થા કરી છે અને ભાર્ગવભાઈ પટેલ રૂ.1 લાખના ખર્ચે ઓક્સિજન મશીન આપેલું છે.સરપંચ કાન્તીભાઈ પટેલે જણાવ્યું કે નજીકના પીએચસીમાં 2 ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન મશીન, દવાઓ સહિતની તમામ વ્યવસ્થા છે.

પાટણ તાલુકાના સંખારી ગામમાં કુલ 13 કેસ થયા છે. હાલ 5 એક્ટિવ કેસ છે. 9 દિવસથી પ્રા.શાળામાં શરૂ કરેલા 5 બેડના કોવિડ કેર સેન્ટરમાં દવાઓ કે ડોક્ટરની વ્યવસ્થા ન હોઈ દર્દી દાખલ ન હોવાથી બંધ હાલતમાં રહે છે. ઓક્સિજન આપવાની પ્લાન્ટના માલિકે તૈયારી બતાવી છે. તેવુ તલાટી કમ મંત્રી રીતેશભાઈ ડોડીવાડિયાએ જણાવ્યું હતું.

રણુંજ ગામમાં કુલ 75 કેસ થયા છે. હાલમાં 21 એક્ટિવ કેસ છે. ગ્રામ પંચાયત દ્વારા હાઈસ્કૂલમાં શરૂ કરેલા 8 બેડના કોવિડ કેર સેન્ટરમાં દવાઓ કે અન્ય કોઈ મેડિકલની સુવિધા પણ નથી.સેન્ટરને બારીઓના દરવાજા પણ નથી. સેન્ટર બંધ હાલતમાં છે. ગ્રામ પંચાયતના સદસ્ય ગીરીશભાઈ પટેલે જણાવ્યું કે દર્દી કોવિડ કેર સેન્ટરમાં રહેવા માટે તૈયાર થતા નથી.

સંડેરનું કોવિડ કેર સેન્ટર દર્દીઓને હોસ્પિટલ જેવી સેવા અપાય છે
પાટણ તાલુકાનુ સંડેર ગામ 5000ની જનસંખ્યા ધરાવતાં ગામમાં અત્યાર સુધીમાં કુલ 75 જેટલા કેસ નોંધાયા છે. હાલમાં એક જ એક્ટિવ કેસ છે. 4 મેથી દાતાઓ ગ્રામ આરોગ્ય સેવા મંડળ ગ્રામજનો અને પંચાયતના સહયોગથી નરસિંહજી ભગવાનના મંદિરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. જેમાં એમબીબીએસ ડો.જય પટેલ અને નર્સ દર્દીઓની સારવાર કરે છે. ડો.હિમાંશુ પટેલ પણ માર્ગદર્શન આપે છે. 10 ઓક્સિજન બેડ અને 6 સામાન્ય બેડની વ્યવસ્થા કરાઈ છે. હાલમાં 4 દર્દી સારવાર લઈ રહ્યા છે. સંડેર ઉપરાંત બાલિસણા, મણુંદ અને વાલમના દર્દીઓ પણ આ સેન્ટરમાં સારવાર માટે આવે છે.

દવાઓ ઉપરાંત 18 ઓક્સિજન સિલિન્ડર, 2 ઓક્સિજન કોન્સન્ટેટર, બીપી, ડાયાબિટીસ માપવા માટેના મશીન, ઓક્સિજન ચેક કરવા માટેના 15 ઓક્સિમીટર, નાસ લેવા માટેના 75 મશીન,કુલર સહિતની વ્યવસ્થા છે. આ ઉપરાંત કોરોના રેપિડ ટેસ્ટ અને બ્લડ સેમ્પલ પણ લેવામાં આવે છે. સેન્ટરમાં ઓપીડી પણ ચલાવાય છે.

દર્દીઓ માટે બે ટાઈમ ભોજન ચા કોફી, હળદરવાળું દૂધ, મોસંબી અને લીંબુ શરબત, કઠોળ મગનું પાણી વ્યવસ્થા કરેલી છે. સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રને જરૂર હોય તો ઓક્સિજનની સુવિધા આ સેન્ટર પૂરી પાડે છે. સાથે યુવક મંડળના યુવાનો પણ સેવામાં જોડાયેલા છે તેવુ સંડેર આરોગ્ય સેવા મંડળના પ્રમુખ કાનજીભાઈ પટેલ,અગ્રણી શંકરભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...