પાટણ શહેરના હાઇવે માર્ગોને જોડતા હાસાપુર થી ગોલ્ડન ચોકડી સુધીના બાયપાસ રસ્તા પરથી ટુવ્હીલર વાહનોની સાથે સાથે ઓવરલોડ રેતી ભરીને નીકળતા હેવી ટ્રકોના કારણે અકસ્માતો નો ભય સેવતા સ્થાનિક રહીશોમાં રોષ ભભુકી ઉઠયો છે.
પાટણ હાંસાપુર ડેરી પાછળથી પસાર થતા બાયપાસ માર્ગ પર 20થી વધુ સોસાયટીઓ આવેલી છે. જ્યાં 10 હજાર કરતા પણ વધુ પરીવારો વસવાટ કરે છે. પાટણ- ચાણસ્મા ગોલ્ડન ચોકડીથી હાંસાપુર ડેરીની પાછળથી પસાર થતો બાયપાસ માર્ગ ઊંઝા હાઇવેને જોડે છે. ત્યારે આ બાયપાસ માર્ગ પરથી સોસાયટીના સ્થાનિક રહીશો સહિત નાના ટુવ્હીલર વાહનચાલકો તેમજ વિદ્યાર્થીઓના સ્કુલ વાહનોને કારણે આ માર્ગ સતત ધમધમતો રહે છે .
પરંતુ આ માર્ગ પરથી છેલ્લા કેટલાક સમયથી ઓવરલોડ રેતી ભરેલા ટર્બા ટ્રક સહિત અન્ય ભારે વાહનો પસાર થવાના કારણે અકસ્માતો સર્જાય તેવા ભયને લઇ આ વિસ્તારની સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા આ સમસ્યા અંગે કોઇ યોગ્ય પગલા ભરવામાં નહીં આવતાં અકસ્માત સજૉવાની સંભાવના લોકો સેવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ માગૅ પરથી પસાર થતા ભારે વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ વિસ્તાર ની મહિલાઓ દ્વારા ભારે વાહનો માગૅ પર રોકવાની સાથે ચક્કાજામ કરવાની ફરજ પડશે તેવી ચિમકી મહિલાઓએ ઉચ્ચારી છે.
નોંધનીય છે કે જીલ્લા પોલીસતંત્ર દ્વારા ટ્રાફીક અવરનેશને લઈ આવા બાયપાસ માર્ગો પર ભારે વાહનોની આવન- જાવન પર રોક લગાવવામાં આવે તો નાના મોટા અકસ્માતોને અટકાવી શકાય તેમ હોવાનું સ્થાનિક રહીશો નું કહેવું છે ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરાશે ખરાં?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.