ટેસ્ટ ઓફ ગુજરાતપાટણના દેવડા જ કેમ વખણાય?:વરસાદ ઓછો, દૂધ મળે નહીં એટલે સૂકી મીઠાઈ તરીકે ડેવલપ થયા 'દેવડા', મોઢામાં મૂકે ઓગળી જાય ને હેલ્થ પણ સચવાય!

પાટણ2 મહિનો પહેલાલેખક: સુનિલ પટેલ

શું તમને ખબર છે... પાટણના પટોળાની સાથે-સાથે તેની સૌના ખિસ્સાને પોષાય તેવી મીઠાઈ દેવડા પણ એટલા જ પ્રખ્યાત છે. શુભ પ્રસંગે મીઠાઈ તરીકે ખવાતા દેવડાનો ઈતિહાસ 200 વર્ષ જૂનો છે. દિવાળી અને તહેવારોની સિઝનમાં ફેન્સી મીઠાઈના વધતા ચલણ વચ્ચે પણ પાટણના દેવડાની મીઠાશ આજેય અકબંધ છે. તેમાંય પ્રવીણભાઈ મીઠાઈઘરના દેવડા તો વર્લ્ડ ફેમસ છે. તેની બે બ્રાન્ચ છે જેમાં એક મદારાશા ત્રણ દરવાજા પાસે પ્રવીણભાઈ મીઠાઈઘર અને બીજી જયવીરનગરમાં સુખડિયા સ્વીટ માર્ટ છે. 150 વર્ષ પહેલાં પિતાંબરદાસ ઉજમદાસ સુખડિયાએ દેવડા બનાવવાનું શરૂ કર્યું હતું. આજે પાંચમી પેઢી આ ધંધો સંભાળી રહી છે અને સ્વાદ પણ એ જ છે જે 150 વર્ષ પહેલાં હતો. મોઢામાં મૂકો એટલે ઓગળી જાય એટલા નરમ દેવડા બને છે.

આવી છે દેવડા બનાવવાની રેસિપી
સુખડિયા પ્રવીણભાઈએ દેવડાની બનાવટ વિશે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, દેવડા બનાવવાની રીત ખૂબ જ સરળ છે. સૌથી પહેલા ખૂબ મોણ નાંખેલા લોટને બાંધી તેના લૂઆમાંથી મેંદાની પૂરી બનાવવામાં આવે છે. બાદમાં આ પૂરીને ઘીની અંદર તળવામાં આવે છે. આ પૂરી બરાબર તળાઇ જાય પછી તેને બદામી કલર કરવામાં આવે છે. બાદમાં બહાર કાઢી ઠંડી કરવામાં આવે છે. બીજા દિવસે તેને ખાંડની 3 તારની ચાસણીની અંદર ઝબોળવામાં આવે છે. બાદમાં બદામ-પિસ્તા નાખી ડેકોરેશન કરવામાં આવે છે.

200થી 440 રૂપિયે કિલો દેવડા વેચાય છે
પ્રવીણભાઈ સુખડિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દેવડા એ એક એવી વસ્તુ છે જે લાંબો સમય સુધી ટકી શકે છે. આ એક પાટણની દેવડાની આગવી ઓળખ છે. દેવડા વિદેશ સુધી પણ જાય છે, લોકો ભેટ-સોગાદ તરીકે પોતાનાં સગાં-વહાલાંઓને આપે છે. આવી રીતે દિવાળીએ પણ ખાસ અધિકારીઓ દેવડા પોતાના કર્મચારીઓને ભેટ તરીકે આપે છે. હાલ વેજિટેબલ ઘીના દેવડા 200થી 240 રૂપિયે કિલો વેચાય છે. શુદ્ધ ઘીના દેવડા 420થી 440 રૂપિયા સુધી વેચાય છે. અલગ અલગ ચાર ફ્લેવરના દેવડા 440 રૂપિયે કિલો વેચાય છે.

પાટણમાં 4 ફ્લેવરના દેવડા બનાવાય છે
પ્રવીણભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દેવડા બનાવવાની શરૂઆત ઘણાં વર્ષો પહેલાં પાટણમાં કરવામાં આવી હતી. આજે અવિરત પણે દેવડા નાના ગામથી માંડી મોટાં શહેરો સુધી પહોંચે છે. વિદેશની અંદર પણ દેવડાની હાલ ખૂબ જ માગ છે. મુંબઈ, અમદાવાદ, સુરત આવાં મોટાં મોટાં શહેરોની અંદર પણ દેવડા ખૂબ પ્રખ્યાત છે. ગણેશ મહોત્સવ, નવરાત્રિ, દિવાળી સહિત નાના-મોટા દરેક તહેવારમાં લોકો દેવડા ખાય છે. દિવાળીના તહેવારોમાં પાટણના દેવડા અંદાજિત 5 હજાર કિલોથી પણ વધુ વેચાય છે, જેનો ભાવ 240થી લઇને 440 રૂપિયા પ્રતિ કિલો હોય છે. આ દેવડા અનેક શહેરો સહિત વિદેશમાં પણ મોકલાય છે. પાટણ શહેરમાં 4 ફ્લેવરમાં દેવડા વેચાય છે જેમાં કેસર, ચોકલેટ, બદામ-પિસ્તા અને બટરસ્કોચનો સમાવેશ થાય છે.

જાણો છો.... દેવડા એટલે શું?
દેવડા એ સૌના ખિસ્સાને પરવડે એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે, જે મેંદાના લોટ અને શુદ્ધ ઘીમાંથી તૈયાર કરવામાં આવે છે. જેમાં પ્રમાણસર ખાંડનું પડ ચઢાવીને મીઠાશ ઉમેરાય છે. ઉપર સૂકામેવાની કતરણ દ્વારા સજાવટ કરાય છે. પાટણના દેવડા એના સ્વાદ અને ખાવામાં એકદમ નરમ હોવાને લઈને રાજ્યભરમાં પ્રખ્યાત છે. દેવડા એ સૂકી મીઠાઈ હોવાથી અન્ય મીઠાઈની જેમ ઝડપથી બગડી જતી નથી. વળી, એ દૂધ અને માવામાંથી બનતી મીઠાઈ કરતાં ઓછું ગળપણ અને ઓછું કોલેસ્ટેરોલ ધરાવતી હોઈ, સ્વાસ્થ્ય માટે સાનુકૂળ યોગ્ય સ્વીટ છે.

દેવડાનો 200 વર્ષનો ઈતિહાસ
પ્રવીણભાઈ મીઠાઈ ઘરના માલિક પ્રવીણભાઈ સુખડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પાટણ જિલ્લો સરહદની કાંધીએ આવેલો હોવાથી અહીં વરસાદના વધતા-ઓછા પ્રમાણને લીધે પશુપાલન અને ડેરી ઉદ્યોગ સારી રીતે વિકસી શક્યો નહોતો. ત્યારે દૂધની ઊણપને લક્ષમાં લઈને દૂધ વગરની મીઠાઈ તરીકે દેવડાનો આવિષ્કાર થયેલો. દેવડા શુદ્ધ ઘી ઉપરાંત ડાલડા ઘીમાં પણ બનાવાય છે, જેથી એની કિંમત ઓછી રહેતાં નિમ્ન વર્ગ પણ એની મીઠાશથી બાકાત ન રહી જાય. હવે તો દેવડા કેસર, ચોકલેટ, બદામ-પિસ્તા અને બટરસ્કોચ જેવી વિવિધ ફ્લેવર્સમાં પણ બને છે, જે એની મીઠાશમાં સોનામાં સુગંધ ભળવા જેવું કાર્ય કરે છે.

સૌના બજેટમાં ફિટ બેસતી એકમાત્ર મીઠાઈ દેવડા
ડાલડા ઘીથી લઈને શુદ્ધ ઘીના દેવડાની કિંમત 240થી 440 રૂપિયા પ્રતિ કિલો હોય છે, જે સૌના બજેટને અનુકુળ આવે છે, એટલે જ કહેવાય છે કે દેવડાથી હેલ્થ અને વેલ્થ બંને સચવાય જાય છે. એટલે જ તો પાટણથી દર વર્ષે મોટા પ્રમાણમાં દેવડા એક્સપોર્ટ થાય છે. દેવડાની મીઠાશ દરિયાપાર વસતા NRIઓને પણ દાઢે વળગેલી છે. દિવાળીમાં ભેટ-સોગાદ તરીકે અપાતી મીઠાઈમાં દેવડા અવ્વલ સ્થાન ધરાવે છે.

પાટણના જ દેવડા કેમ વખણાય છે?
પાટણમાં બનતા દેવડામાં ખાસ કારીગરોની આવડત ઉપરાંત અહીંના હવામાન અને પાણીની અસર એના સ્વાદમાં જોવા મળે છે, જેને કારણે દેવડા એટલા સોફ્ટ બને છે કે મોઢામાં મૂકતાં જ પીગળી જાય છે. અનેક લોકોએ પાટણના કારીગરોને લઈ જઈને અન્ય સ્થળોએ દેવડા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એમાં પાટણ જેવો સ્વાદ કે ગુણવત્તા જળવાતાં નથી. એમ 150 વર્ષની જૂની દુકાનના દિલીપભાઈ સુખડિયાનું કહેવું છે.

ગુજરાત જ નહીં વિદેશમાં પણ દેવડાની બોલબાલા
200 વર્ષનો ઈતિહાસ ધરાવતા અને શુભ પ્રસંગો તથા તહેવારોની ખુશીઓમાં વધારો કરતા દેવડા ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં મીઠાઈ તરીકે એવું સ્થાન પામી ગયા છે કે કોઈ નવું મકાન કે બિલ્ડિંગ બનાવતું હોય ત્યારે કે ધંધા-વેપારના શુભારંભ ટાણે ચવાણા સાથે દેવડા વેચવામાં આવે છે. હાલ તહેવારની સિઝનમાં દેવડાની ભારે માગ ઊઠી છે અને ભેટ-સોગાદ તરીકે સરકારી કે ખાનગી ઓફિસોમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પહોંચી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...