પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષથી કર્મભૂમિ, છીંડિયા દરવાજા અને સુભાષચોક ત્રણ મુખ્ય વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઈન ઊભરાવવાની સમસ્યાથી લોકો ત્રાહીયામ પોકારી ઉઠ્યા હોઈ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે માટે ત્રણેય વિસ્તારોમાં અંદાજે રૂ. 96.43 લાખના ખર્ચે સોમવારે નવીન પાઇપ લાઈન માટે રાઇઝિંગ લાઈન નાખવાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. બે માસમાં પાઇપ લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થતાં ત્રણેય વિસ્તારોની સૌથી મોટી સમસ્યા કાયમી દૂર થશે.
પાટણ પાલિકા દ્વારા વર્ષ પૂર્વે જૂની ગટર લાઈનો નાખવામાં આવેલ હોઈ ભૂગર્ભમાં ભંગાણ, લીકેજ અને તૂટી ગયેલ હોઈ વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરમાં પાણી બેક મારવા, ઉભરાતા રસ્તાઓ પર ગટરના ગંદા પાણી રેલાતા લોકો ગંદકીમાં રહેવા મજબુર બન્યા છે. શહેરમાં છેલ્લા ચાર વર્ષથી ભૂગર્ભ ગટરની સમસ્યાથી પીડાઈ રહેલા એવા જ ત્રણેય મુખ્ય કર્મભૂમિ સોસાયટી વિસ્તાર, છીંડિયા દરવાજા વિસ્તાર અને કર્મભૂમિ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સમસ્યા દૂર કરવા માટે પાલિકા દ્વારા રાઇઝિંગ પાઇપ લાઈન નાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત સોમવારે છીંડિયા દરવાજાથી સુભાષ ચોક, મોતીશા દરવાજાથી બહુચર પમ્પિંગ સ્ટેશન, સુભાષથી મીરા દરવાજા વિસ્તાર સુધી રૂ. 96.46 લાખના ખર્ચે રાઇઝિંગ લાઇન નાખવાની કામગીરીનું પાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સોમવારે યોજાયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન જયેશ પટેલ સહિતના ભાજપના નગરસેવકો સહિત પાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
બે માસમાં ગટરની સમસ્યાથી મુક્ત બનશે
ત્રણેય વિસ્તારોમાં નવીન પાઇપ લાઇન નાખી પમ્પિંગ સ્ટેશનથી સીધા પાણી માખણીયા પરામાં પાણી નિકાલ થશે. જેથી પમ્પિંગ સ્ટેશનમાં લોડ ઘટતાં અને નવીન પાઇપ લાઈન નાખતા ભંગાણ થવાના પ્રશ્નો બંધ થઈ જતા પાણી ઉભરાવવાની કે બેક મારવાની સમસ્યા થશે નહીં. આ કામગીરી માટે બે માસની મુદત અપાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.