ઉનાળુ ખેતી:સિંચાઇની સુવિધાના અભાવે 1.50 લાખ હેક્ટર જમીન પડતર, 20,000 હેક્ટરમાં ઉનાળુ ખેતી

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેનાલોમાં પાણી ચાલુ રહે અને સિંચાઈની સુવિધા વધે તો ઉનાળુ વાવેતર પણ વધે: ખેતી તજજ્ઞ

પાટણ જિલ્લામાં 20100 હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ બાજરી ઘાસચારો અને શાકભાજી સહિત ઉનાળુ પાકોનું વાવેતર કર્યું છે. ગત વર્ષની સરખામણીએ 4792 હેક્ટર વિસ્તારમાં વાવેતરમાં વધારો થયો છે. પરંતુ આ વિસ્તારમાં ઉનાળાની સિઝનમાં સિંચાઇની સુવિધા ન હોવાના કારણે દોઢ લાખ હેક્ટરથી વધુ જમીન વાવેતર વગર પડી રહે છે.

પાટણ જિલ્લામાં ઉનાળુ વાવેતર પૂર્ણ થયું છે જેમાં 14604 હેક્ટરમાં ઘાસચારો 4921 હેક્ટરમાં બાજરી અને 541 હેક્ટરમાં શાકભાજીના પાકનું વાવેતર થયું છે કુલ 20100 હેકટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે 15308 હેકટરમાં વાવેતર થયું હતું.ગત વર્ષની સરખામણીએ 4792 હેક્ટર વિસ્તારમાં વાવેતરનો વધારો થયો છે જેમાં 4146 હેકટરમાં ઘાસચારાનું વાવેતર વધ્યું છે.

ઉનાળામાં આ વિસ્તારમાં કેનાલોમાં પાણી બંધ રાખવામાં આવતું હોવાથી સિંચાઇની સુવિધા ન હોવાના કારણે રવી સીઝનની સરખામણીએ ઉનાળુ વાવેતર નહિવત પ્રમાણમાં થાય છે. રવી સીઝનમાં 1.80 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં રવી પાકોનું વાવેતર થાય છે. તેની સરખામણીએ ઉનાળામાં માત્ર 20,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે. 1.50 લાખ હેક્ટર ઉપરાંતની જમીન વાવેતર વગર પડતર રહે છે.

આ કારણોથી ઉનાળુ ખેતી થતી નથી
જિલ્લાના પૂર્વ ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલે જણાવ્યું હતું કે ઉનાળામાં સંપૂર્ણ સિંચાઈની સુવિધા નથી જેના કારણે ખેડૂતો વાવેતર કરવા તૈયાર થતા નથી, માર્ચ માસના પ્રથમ અઠવાડિયા માં ખેતર ખાલી થાય તો જ ઉનાળો પાકોનું વાવેતર કરી શકાય પરંતુ દિવેલા કપાસ ઘઉ નો પાક એપ્રિલ માસ સુધી ખેતરમાં હોય છે જેના કારણે ખેડૂતો ઉનાળુ વાવેતર કરી શકે નહીં, સમી સાંતલપુર રાધનપુર પંથકની જમીન ખારી અને ભાષ્મીક પ્રકારની છે. રણપ્રદેશ નજીક હોવાથી ઉનાળાની લુ વધારે પ્રમાણમાં રહેતી હોય જેના કારણે ત્યાં પિયત કરી ઉનાળુ પાક લેવો મુશ્કેલ બને છે. ગોરાડુ જમીન જેટલું ઉત્પાદન ન મળે , ખર્ચ વધારે થાય તેમજ રોઝ ભૂડ નો ત્રાસ જેવા વિવિધ કારણો ના કારણે ઉનાળુ ખેતી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...