એશિયાના સૌથી મોટા ચારણકાના સોલાર પાર્કમાં કર્મચારીઓનું કોન્ટ્રાકટરો દ્વારા શોષણ થતુ હોવાની અને મિનિમમ વેજ(લઘુતમ વેતન)ના ધારા પ્રમાણે વેતન ન આપવા મામલે અરજી થતાં જિલ્લા શ્રમ અધિકારી રૂબરૂ દોડી આવ્યા હતા. સોલારપાર્ક સ્થિત કંપનીઓ પાસેથી મેન પાવરની વિવિધ માહિતી મંગાઈ હતી.
સાંતલપુર તાલુકાના ચારણકા સોલારપાર્કમાં કોન્ટ્રાકટરો દ્વારા કર્મચારીઓનુ શોષણ થતુ હોવાની ઓનલાઈન રાવ થવા પામી હતી. જેમાં સોલાર પાર્કમાં કામ કરતા કર્મચારીને પોતાના હક્કોથી વંચિત રખાતા હોવાની, કર્મચારીઓને મિનિમમ વેજ(લઘુત્તમ વેતન) મળતુ નહિ હોવાની,આઠ કલાકની જગ્યા પર બાર કલાક કામ કરાવાતુ હોવાની, પગાર સ્લિપો નહિ આપવાની. ફેકટરી એક્ટના નિયમોનુ કોઈ પાલન પણ કરાતુ હોવાની ફરિયાદ કરાઈ હતી. જેને લઈને શ્રમ અધિકારી મનસ્વી કથરિયાએ પ્લાન્ટની રુબરુ મુલાકાત લીધી હતી.સોલાર પાર્ક સ્થિત વિવિધ કંપનીઓ પાસેથી મેન પાવર સપ્લાયની તમામ માહિતીઓ માંગી સઘન તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે સોલારપાર્કમાં અમુક કંપનીઓ દ્વારા મિનીમમ વેજનુ પાલન કરવામાં આવે છે અને કર્મચારીઓને પુરતુ પગારધોરણ આપવામાં આવે છે.જ્યારે કેટલાક કોન્ટ્રાકટરો કે એજન્સીઓ મનમાંની ચલાવી લાચાર કર્મચારીઓનુ શોષણ કરે છે. એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક એવા ચારણકામાં અમુક કંપનીઓ દ્વારા મિનીમમ વેજનુપાલન કરવામાં આવે છે અને કર્મચારીઓને પુરતુ પગારધોરણ આપવામાં આવે છે.
લેબર અધિકારી મનસ્વિ કથરિયા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે અમને સોલારપાર્કમાં કર્મચારીનુ શોષણ થતુ હોવાની ફરિયાદ મળી છે સોલપાર્કમાં મિનિમમ વેજ પ્રમાણે કામ કરતા કર્મચારીઓને વેતન ચુકવવામાં આવતુ નહિ હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.હાલમાં તપાસ ચાલુ છે જો નિયમ પ્રમાણે કર્મચારીઓને વેતન નહિ ચુકવાતુ હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.