દશેરાએ સિદ્ધપુરમાં ચગે છે પતંગ!:દેશમાં એકમાત્ર સિદ્ધપુરમાં દશેરાના દિવસે ઉત્તરાયણ મનાવાય છે, શહેરની બજારમાં પતંગ અને દોરીની ખરીદી કરવા લોકોની ઉમટી ભીડ

પાટણ12 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • સિદ્ધપુરના રાજા સિદ્ધરાજ જયસિંહનું 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે જ અવસાન થયું હોવાથી તે દિવસે શોક મનાવાય છે

ઐતિહાસિક અને દેવનગરી સિદ્ધપુરમાં દશેરાનો પર્વ અનોખી રીતે ઉજવવામાં આવે છે. સમગ્ર દેશમાં ઉતરાયણના દિવસે પતંગ મહોત્સવ ઉજવાય છે. જ્યારે સિદ્ધપુરમાં ઉતરાયણના દિવસે માત્ર દાન પુન્ય કરવામાં આવે છે અને પતંગ મહોત્સવ ઉત્તરાયણની જગ્યાએ દશેરાના દિવસે ઉજવવામાં આવે છે. જેથી શુક્રવારે સિદ્ધપુરમાં પતંગોના પેચ જામશે અને એ લપેટની ચીસો ગુંજશે.

દશેરાના દિવસે સિદ્ધપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. સાથોસાથ લોકો ફાફડા જલેબીની પણ મજા માણે છે. હાલમાં બજારમાં પતંગ અને દોરીની ખરીદી કરવા તેમજ માંજો પીવરાવવા માટે લોકોની ભીડ જામી છે.દશેરાના દિવસે પતંગોત્સવ થતો હોય તેવું સમગ્ર ભારત દેશમાં એક માત્ર શહેર સિદ્ધપુર જ છે. દશેરાની અનોખી પતંગોત્સવથી થતી ઉજવણી માટે હાલમાં બજારમાં ઠેર ઠેર માંજો પીવરાવવાના ચરખા લાગી ગયા છે તો અનેક પતંગોની દુકાનો પણ ખુલી ગઈ છે. 70 રૂપિયા પ્રતિ કોડીથી લઈ અનેક ક્વોલીટીના અવનવા પતંગો બજારમાં વેચાઈ રહ્યા છે તો રેડીમેડ બરેલી દોરીએ પણ બજારમાં આકર્ષણ જમાવ્યું છે.

સિદ્ધપુરમાં દશેરા પર્વે જ પતંગોત્સવનો શું છે ઈતિહાસ?
14 જાન્યુઆરીના દિવસે જ મકરસંક્રાંતિ નિમિત્તે દેશભરમાં પતંગોત્સવ ઉજવાય છે, પરંતુ સિદ્ધપુરના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનું વર્ષો પહેલાં 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે જ અવસાન થયું હોવાથી સિદ્ધપુરમાં તે દિવસે શોક મનાવાય છે અને તે દિવસને બદલે દશેરાએ પતંગોત્સવ ઉજવાય છે.

કેટલીક સંસ્થાઓ હવે આ પ્રથા બદલવા માગે છે
સિદ્ધપુર શહેર સાથે જોડાયેલી કેટલીક સામાજિક સંસ્થાઓ આ પ્રથા બદલીને ઉત્તરાયણને દિવસે પણ પતંગોત્સવ ઉજવવા લોકોને પ્રેરણા આપવા મફતમાં પતંગ દોરાની વહેંચણી પણ કરે છે .જોકે, હજુ સુધી ધારી સફળતા મળી નથી અને લોકો દશેરાના દિવસે જ પતંગોત્સવની ઉજવણી કરે છે.

અન્ય સમાચારો પણ છે...