પ્રકાશ સોની : સાંતલપુર તાલુકાના ખીમાસર અને લખાસર ગામોમાં 150 જેટલા પરિવારો વસવાટ કરે છે જ્યાં સ્ટ્રીટલાઈટની સુવિધા નથી. ગામના રસ્તા ધૂળીયા છે જ્યારે મતદાન મથક પણ ન હોઈ બે કિમી ચાલીને સાંતલપુર મત આપવા ચાલતા જવું પડે છે.
પરિવારો મીઠાના ધંધા રોજગાર સાથે સંકળાયેલા
આ ગામોના તમામ પરિવારો મીઠાના ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે. જેઓ જે જગ્યાએ રહે છે ત્યાં વીજળીના થાંભલા નાખ્યા છે પણ લાઈટો નાખી નથી. જેને લીધે અહીંથી રાતે પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે. જ્યારે અહીં રોડ રસ્તા પણ બનાવેલ નથી.
આ ગામમાં કેટલાક પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી પણ વંચિત છે જ્યારે વર્ષો પહેલા સરકાર દ્વારા અગરિયાઓને મકાનો બનાવી આપ્યા હતા તે ખંડેર હાલતમાં છે. અમુક પરિવારો ઝુંપડા બાંધી રહે છે. ગામમાં 100 જેટલા વિજપોલ આવેલ છે પણ એક પણ વિજપોલ ઉપર સ્ટ્રીટલાઈટ નાંખી નથી અને અંધારપટ રહે છે.
ગામમાં 300થી 400નું મતદાર
ખીમાસર અને લખાસર ગામમાં 300થી 400નું મતદાર છે પરંતુ ગામમાં મતદાન બુથ ન હોવાથી આ ગામોના લોકોને મતદાન કરવા માટે બે કિલોમીટર ચાલીને સાંતલપુર જવું પડે છે જેને લઇ આ ગામના લોકો મતદાન પણ પૂરું કરી શકતા નથી અને માંડ 40-45 % જેટલું મતદાન થાય છે તેવી હકીકત સામે આવી છે.
લોકો મીઠાની સિઝન હોય રણમાં વસવાટ કરતા હોય
આ ગામોના લોકો મીઠાની સિઝન હોય રણમાં વસવાટ કરતા હોય છે.જે સાંતલપુરથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. જે લોકો પાસે આવવા જવા માટે વાહન છે તે રાત્રે ગામે આવતા રહે છે. બીજા પરિવારો રણમાં જ રહેતા હોય છે.તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અથવા ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો ઉમેદવારો મતદારોને લાવવા મૂકવાની સગવડ કરે છે. પણ વિધાનસભા લોકસભા ચૂંટણીમાં આવી સુવિધા ન થતાં પરિવારો મતદાન કરી શકતા નથી તેમ રહીશોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.