પાટણ શહેરના કોઠાઈ દરવાજા બહાર આવેલા પ્રાચીન કાળ ભૈરવદાદાનું સ્થાનક હજારો શ્રધ્ધાળુઓ માટે પૂજનીય બની રહ્યું છે. ત્યારે કાળભૈરવ યુવક મંડળ દ્વારા શ્રી કાળભૈરવ દાદાની બે દિવસીય તૃતીય જન્મજયંતીની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે કાળભૈરવ યુવક મંડળ અને મંદિર ટ્રસ્ટના પ્રમુખ દ્વારા પાટણના નગરજનો સહિત શ્રધ્ધાળુ ભક્તો આ અમૂલ્ય અવસરનો લ્હાવો લઇ દાદાના જન્મઅવસરમાં સહભાગી બને તે માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
પાટણ શહેરની પાવન ભૂમિ પર પ્રાચીન ભૈરવ નેળીયા વિસ્તારના નામે પ્રસિધ્ધ શ્રી કાળભૈરવ દાદાનું સ્થાનક વર્ષો પહેલા માત્ર નાના ગોખમાં બિરાજમાન હતું. ત્યારે સમયાંતરે તેના શ્રધ્ધાળુ ભક્તો દ્વારા નવીન મંદિરનું નિર્માણ કયા બાદ દીપાવલીના પર્વ સહિત અન્ય શુભ દિવસોમાં શ્રધ્ધાળુ ભક્તો મોટીસંખ્યામાં અહીંયાં દર્શનાર્થે આવે છે. છેલ્લાં 5 વર્ષથી કાળભૈરવ યુવક મંડળ દ્વારા શ્રી કાળભૈરવ દાદાના જન્મજયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જોકે, કોરોના કાળમાં બે વર્ષ દરમ્યાન આ મહોત્સવ મોકુફ રાખવામાં આવ્યો હતો ત્યારે કાળભૈરવદાદાના તૃતીય જન્મજયંતી મહોત્સવની બે દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15મી નવેમ્બરે પ્રથમ દિવસે દાદાના મંદિર પાસે આવેલ પાંજરાપોળ મેદાન ખાતે દાંડીયા રાસનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. તો કારતક વદ આઠમ-16 નવેમ્બરના રોજ દાદાની જન્મજયંતી નિમિત્તે મંદિર પરિસર ખાતે ભવ્ય અન્નકૂટ અને આંગીદર્શન યોજાશે. આ દિવસે સવારે નીજ મંદિર ખાતેથી શ્રી કાળભૈરવદાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રા નિયત કરાયેલ રૂટો પરથી પસાર થઇ નિજમંદિરે સમાપન થશે. દાદાના બે દિવસીય અમૂલ્ય અવસરનો સૌ નગરજનો લાભ લે તેવી અપીલ કરાઈ છે. મંદિરના કર્તાહર્તા કનૈયાલાલ પટેલ, ટ્રસ્ટી ગંગારામ જે. પટેલ તેમજ દાદાના પરમસેવક દિનેશભાઈ સી. પટેલ, વિનોદભાઈ પટેલ, મુકેશભાઈ પ્રજાપતિ તેમજ ત્રિમંદિર સેવા ગ્રુપ સહિત ભૈરવ વિસ્તારમાં આવેલા ત્રીસ ઉપરાંત સોસાયટીના સેવક ગણના ઉપક્રમે સુંદર આયોજન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાટણ શહેરના ધર્મપ્રેમી નગરજનો અને ભાવિકોને કાળભૈરવ દાદાના જન્મજયંતી મહોત્સવ નિમિત્તે દર્શન અને પ્રસાદનો લાભ લેવા શ્રી કાળભૈરવ સેવક મંડળ પાટણ દ્વારા સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.