આયોજન:હારિજ તાલુકાના રોડા ગામેથી જન આશીર્વાદ યાત્રા નીકળશે

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ જોડાશે
  • પાટણમાં બાઈક રેલી બાદ માર્કેટયાર્ડમાં સભા યોજાશે, ગોરધન ઝડફીયાએ આપી માહિતી

ભારત સરકારના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ આગામી 16 અને 17મી ઓગસ્ટે જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા માટે આવી રહ્યા છે. જેના આયોજનના ભાગરૂપે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંત્રી દેવુસિંહ ચૌહાણના કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી. 16 ઓગસ્ટે રોજ મંત્રી હારિજ તાલુકાના રોડા ગામે જશે, જ્યાં પક્ષના હોદ્દેદારો અને સામાજિક આગેવાનો દ્વારા સન્માન કરશે.

ત્યાંથી દુધારામપુરા ગામે સ્વાગત થશે અને ત્યારબાદ પાટણ સર્કિટ હાઉસ ખાતે મંત્રી રાત્રી રોકાણ કરશે. 17 ઓગસ્ટે નવા સર્કિટ હાઉસથી બાઇક રેલી સાથે શહેરના કનસડા દરવાજા થઇ મુખ્ય બજાર અને બગવાડા દરવાજા થઈ એપીએમસી ખાતે બાઇક રેલી પહોંચશે. જ્યાં સભા યોજાશે. બાદ સિદ્ધપુર તાલુકાના રૂની, હાજીપુર, કમલીવાડા અને ડેર ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

ત્યારબાદ સિદ્ધપુર ખાતે બાઇક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી મયંકભાઈ નાયક, જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ પટેલ, ભાનુમતિબેન મકવાણા, મોહનભાઈ પટેલ તેમજ જિલ્લાના ત્રણેય મંત્રી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...