તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગમન:સિદ્ધહેમ વ્યાકરણ કંઠસ્થ કરનાર જૈન મુનિ 4 માસ સંસ્કૃત ગ્રંથોનું પઠન કરશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીક્ષા ગ્રહણ કર્યા બાદ મધ્યપ્રદેશના શુભમ જૈન પ્રથમવાર પાટણ પધાર્યા

પાટણના પંચાસરા જૈન મંદિર પાસે ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રયમાં જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજીની પાવન નિશ્રામાં રહીને ત્રણ વર્ષ સુધી ધાર્મિક અદ્યયન કરનાર મઘ્યપ્રદેશના ધાર જિલ્લા નિવાસી શુભમકુમાર નરેન્દ્રભાઇ જૈને 3મેના રોજ પાટણ જૈન બોર્ડિંગ ખાતે ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય નિત્યસેન સૂરી આદિ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી મુનિરાજ નિસંગરત્ન વિજયજી બન્યા હતા. તેઓનું દીક્ષા બાદ રવિવારે સવારે પાટણમાં પ્રથમવાર આગમન થયું હતું.

મુનિરાજે દીક્ષા પૂર્વ પાટણના ગોળશેરી સ્થિત શ્રી સિદ્ધહેમ જ્ઞાનપીઠમાં પંડિત ચન્દ્રકાન્ત ભાઈ સંઘવી પાસે વિશ્વ પ્રસિદ્ધ સિદ્ધહેમ વ્યાકરણનો અભ્યાસ કરીને સંપૂર્ણ વ્યાકરણને કંઠસ્થ કર્યું છે. આ સાથે સંસ્કૃત પ્રાકૃતના અનેક ગ્રંથોનો અભ્યાસ કરી દીક્ષા ગ્રહણ કર્યા બાદ બનાસકાંઠાના પેપરાલ તીર્થ ખાતે પધાર્યા હતા. તેઓ મુનિરાજ પ્રત્યક્ષ રત્ન વિજયજી અને વયોવૃધ્ધ મુનિરાજ સાધ્યરત્ન વિજયજી સાથે વિહાર કરી પાટણ પધારતા જૈન સંઘ અને ત્રિસ્તુતિક જૈન સંઘના સદસ્યોએ દર્શન વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ પ્રસંગે મુનિરાજ ચારિત્રરત્ન વિજયજીની નિશ્રામાં જૈન બોર્ડિંગથી નગરના જિનાલયોના દર્શન હેતુ શોભાયાત્રા બાદ ઉપાશ્રય ખાતે ધર્મ સભા યોજાઈ હતી. જેમાં ત્રિસ્તુતિક જૈન સંઘના અગ્રણી રાજસ્થાન જાલોર જિલ્લાના ભુતી નિવાસી પાટણ સ્થિત ધનરાજભાઈ જવાનમલજી મારવાડી પરિવાર તરફથી 27 રુપિયા અને ગોળનું સંઘપુજન કરવામાં આવ્યું હતું.

મુનિરાજ નિસંગરત્ન વિજયજી મહારાજ આગામી ચાતુર્માસ પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે રહીને મુનિરાજ નિપુણરત્ન વિજયજી મહારાજના માર્ગદર્શન હેઠળ પંડિત ચન્દ્રકાન્ત સંઘવી પાસે ચાર મહિના સુધી સંસ્કૃતનાં ગ્રંથોનું વાંચન કરશે.

અન્ય સમાચારો પણ છે...