પાણીનો પ્રશ્ન ઉકેલાશે!:બિન ઉપયોગી સરસ્વતી જળાશય યોજના પુનઃ જીવંત કરાય તો 6721 હેક્ટરમાં પિયત શક્ય
પાટણએક મહિનો પહેલાલેખક: જનક રાવલ
સરસ્વતી જળાશય
- વર્ષ 1971માં શરૂ કરાયેલી રૂ.202 લાખના ખર્ચ વાળી યોજના ફરીથી શરૂ કરવા માટે માત્ર નહેરો પાકી બનાવવાની જ જરૂર
- પાટણના 21, હારિજના 2 અને ચાણસ્માના 2 ગામોમાં ઊંડા જતા ભૂગર્ભ જળ અને વીજલોડના પ્રશ્નો હલ થશે
- ડેમ ભરાય તો 21 કિમીમાં જળ સ્તર ઉપર આવે
પાટણ પંથકમાં કૃષિ ક્રાંતિ લાવવા માટે ડીસા હાઈવે ઉપર બનાવવામાં આવેલ સરસ્વતી બંધ વરસાદના પાણીના અભાવે મૃતપ્રાય બની રહ્યો છે અને સરસ્વતી જળાશય યોજના ઠપ થઈ ગઈ છે. સને 1965 થી 1971 સુધીના સમયગાળામાં પૂર્ણ થયેલી આ યોજનામાં કુલ મળીને રૂા.202.62 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
સરસ્વતી સિંચાઈ યોજનાનો નકસો
પરંતુ લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ આ યોજના છેલ્લાં ચાર દસકા ઉપરાંતના સમયથી ધૂળ ખાઈ રહી છે. જોકે હવે નર્મદાના પાણી લાવવાની વ્યવસ્થા થઈ ગઈ છે ત્યારે નહેર નેટવર્ક નવું બનાવ્યે ફરીથી યોજના જીવંત બની શકે છે તેમ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.
સરસ્વતી જળાશય યોજના: આંકડાકીય વિગતો
- કામની શરૂઆત: સને 1965
- કામ પુરું થયું:સને 1972
- ખર્ચ:(બેરેજ-પુલ સહિત ) :154.95 લાખ
- નહેરો: 47.67 લાખ
- કુલ ખર્ચ: 202.62 લાખ
- સ્ત્રાવ ક્ષેત્ર: 568 ચો.મી.
- આલેખિત પુર: 95000 ઘનફૂટ
- જળાશયની સંગ્રહ શક્તિ: 50 મી.ઘનફૂટ
- બેરેજની લંબાઇ: 975 ફુટ
- બેરેજ દરવાજા: 27
- બેરેજના મથાળાનું લેવલ: 268 ફુટ
- જળાશયની મહત્તમ સપાટી: 277 ફુટ
- પુલના મથાળાનું લેવલ: 287 ફુટ
- પુલની પહોળાઇ: 22 ફૂટ
- ઓપરેશન પ્લેટફોર્મનું લેવલ: 294 ફુટ
- માટીના પાળાની લંબાઈ 6.50 માઈલ (10.46 કી.મી.)
સિંચાઈ અને નહેરો
- સિંચાઇ વિસ્તાર: 6721 હેક્ટર
- સિંચાઇના લાભ મેળવતા ગામો: 24 ગામો
- મુખ્ય નહેરની વહન શક્તિ: 270 ઘનફૂટ
- મુખ્ય નહેરની લંબાઇ
- પાકી નહેર: 3 માઈલ ( 4.83 કી.મી. )
- કાચી નહેર: 3.6 માઇલ ( 5.78 કી.મી. )
- શાખા,પેટા શાખા નહેરોની કુલ લંબાઇ - 44.50 માઈલ
- સિદ્ધિ સરોવરની સંગ્રહ શક્તિ: 18.15 મી.ઘનફુટ
- વત્રાસર તળાવની સંગ્રહ શક્તિ 14.41 મી.ઘનફૂટ
- સિંચાઇની શરૂઆત સને 1975
સીધી વાત - એસ.આઈ.પટેલ,સરસ્વતી જળાશય પ્રોજેક્ટના ઇજનેર
- પ્રશ્ન: શું આ યોજના ફરીથી શરૂ થઈ શકે છે ખરી અને તે ઉચિત છે?
- જવાબ: હા,બિલકુલ થઈ શકે છે. આનંદીબેન પટેલ ધારાસભ્ય તરીકે હતા ત્યારે સરકારમાં દરખાસ્ત કરી હતી પરંતુ સરકાર દ્વારા મંજૂરી મળી ન હતી.
- પ્રશ્ન: વરસાદી પાણી નદીમાં લાવી શકાય કે કેમ ?
- જવાબ: હા, નર્મદાનું પાણી ડેમમાં લાવવા વ્યવસ્થા કરવામાં આવેલી છે અને લાવવામાં આવે છે.ખોરસમથી માતપુર લાઈનથી આવતું પાણી ત્યાંથી કમલીવાડા એસ્કેપથી લાવવામાં આવે જ છે. વર્ષ 2020 અને 2021માં 300 ક્યુસેક પાણી લાવવામાં આવે જ છે. તેને કાયમી ધોરણે આપવાની વ્યવસ્થા કરવી પડે.
- પ્રશ્ન: કેનાલ નેટવર્ક કેવું છે ?
- જવાબ: કેટલીક પાકી કેનાલ છે. તો કાચી અને ઢાળીયા કેનાલ છે. આ કેનાલોને પાકી અને નવીનીકરણ કરવાથી યોજના ફરીથી કાર્યરત થઇ શકે.
- પ્રશ્ન: યોજના કેટલી ફાયદાકારક બની શકે ?
- જવાબ: સમગ્ર પાટણ સરસ્વતી તાલુકાના કમાન્ડ એરિયાના ગામોમાં ભૂગર્ભ જળ 1000 ફુટ ઊંડા થઈ રહ્યા છે તેના લીધે સર્જાતી વીજલોડ વધારાની તકલીફોનો અંત આવી શકે છે. નહેરો માટે અંદાજે રૂ.10 કરોડથી વધારે ખર્ચ થઈ શકે છે. જો માત્ર વરસાદી નર્મદાના પાણીથી ડેમ ભરવામાં આવે તો પણ કમલીવાડાથી સરસ્વતી ડેમ થઈ હારિજના ભલાણા સુધી 21 કિલોમીટર જેટલા વિસ્તારમાં જળ સ્તર ઉપર આવી શકે છે.
- પ્રશ્ન: શું ફરીથી કોઈ રજૂઆત સરકારમાં કરાઈ છે ?
- જવાબ: ના. પણ વિચારી રહ્યા છીએ.સરકાર તૈયાર થાય તો પાટણ પંથકની ખેતી માટે ભવિષ્ય સારું થશે.