માંગ:પાટણ પંથકમાં વીજળી અનિયમીત મળતાં ખેડૂતોને હાલાકી, શિડ્યુલ પ્રમાણે વીજળી આપવા માંગ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાલોમાં નર્મદાનું પાણી ખેતીના પાકો માટે છોડવામાં આવે તેવી રજૂઆત કરાઇ
  • ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે 8 કલાકથી વધુ વીજળી આપવા ભાજપ અગ્રણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી

પાટણ સહિત જિલ્લામાં ખેડૂતોને ખેતી માટે આપવામાં આવતી વીજળીનું સમયપત્રક અનિશ્ચિત બનતાં ખેડૂતોમાં અસંતોષની લાગણી ઉભી થઇ છે. આ ઉપરાંત વીજળીની સમસ્યા વચ્ચે કેનાલોમાં પાણી છોડવામાં આવે તે માટે પણ ખેડૂતોએ માંગ કરી છે.

પાટણના અનાવાડાના ખેડૂત મેહુલ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ખેતીવાડી માટે ખેડૂતોને આપવામાં આવતી વિજળીમાં ક્યારેક બે, ત્રણ કે ચાર કલાક વીજળી આપવામાં આવે છે. જેમાં ક્યારે વીજળી આવશે તેના ટાઇમિંગ બાબતે ખેડૂતો અજાણ હોય છે અને સમય નક્કી ન હોવાથી કચારે વીજળી આવશે અને ક્યારે બોર ચાલુ કરવો તેની ખેડૂતોને ખબર રહેતી નથી. જેથી હેરાનગતિ ભોગવવી પડે છે. જો શિડયુલ સાથે વીજળી આપવામાં આવે તો ખેડૂતો સમયસર પાકમાં પિયત કરી શકે.

તેમણે વધુમાં કહ્યું કે, ઉદ્યોગપતિઓ માટે કોઈ બંધન નથી તો ખેડૂતો માટે પણ ન હોવું જોઈએ. વીજળીના અનિયમિત આવનજાવનથી ખેડૂતનું સમયપત્રક ખોરવાઈ જાય છે અને ક્યારે વીજળી આવશે તેની રાહ જોઇને બેસી રહેવામાં ખેડૂતને હેરાન થવું પડે છે. જેથી ચોક્કસ શિડયુલ સાથે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો વતી લાગણી માંગણી વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત પાટણ તાલુકા ભાજપના અગ્રણી નરેશ પરમારે આ બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી પાટણ તાલુકામાં ખેતી માટેની લાઈટ અનિયમિત આવતા ખેડૂતોને ખૂબ મુશ્કેલી ભોગવવી પડતી હોવાનું જણાવી હાલમાં પિયતની સિઝન હોઈ ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે 8 કલાકથી વધુ વીજળી આપવા રજૂઆત કરી હતી.

હાલમાં પાટણ જિલ્લામાં રાયડાના વાવેતરનો સમય આવ્યો છે તેમજ ચણાનું વાવેતર થશે અને દિવાળી પછી જીરુનું વાવેતર શરૂ થશે. નવેમ્બરમાં ઘઉંનું વાવેતર ચાલુ થશે. આવા સમયમાં અત્યારે કેનાલોમાં નર્મદાનું પાણી ખેતીના પાકો માટે છોડવામાં આવે તો તે સમયસર અને ઉપયોગી બની શકે તેવી ખેડૂતોની રજૂઆત છે.

અત્યારે ખરીફ ઋતુના દિવેલાના ઉભા પાકને પાણી આપી શકાય તેમજ રવિ વાવેતર માટેની ખેતીની તૈયારી પણ થઈ શકે. જેથી જો નર્મદા કેનાલમાંથી કેનાલોમાં પાણી થોડું વહેલું છોડવામાં આવે તો ખેડૂતોને ટ્યુબવેલમાં થતો ખર્ચો ઘટાડી શકાય તેમજ વાવેતર વિસ્તારમાં પણ દશેક ટકા જેટલો વધારી થઈ શકે એમ જાણકારોનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...