આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાટણ તાલુકાના ધારપુરની કેનાલો તેમજ ગરનાળામાં ઉગી નિકળેલા ઝાડી ઝાંખરાઓ તાત્કાલિક ધોરણે દૂર કરી કેનાલ અને ગરનાળાઓને ખુલ્લા કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરાઇ છે. પાટણ તાલુકા પંચાયતનાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર સબ ડિવિઝન નં 11 સુજલામ સુફલામ્ સરસ્વતી પ્રોજેક્ટ કોલોની પાટણ તેમજ ધારપુર તલાટી કમ મંત્રીને કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
લેખિતમાં કરાયેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતુ કે, પાટણ તાલુકાના ધારપુર હાઈવે માર્ગ પરથી પસાર થતી કેનાલમાં તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરનાળામાં છેલ્લા કેટલાક સમયથી ગાંડા બાવળની સાથે ઝાડી ઝાંખરા ઉગી નિકળેલા હોય સાથે સાથે કેનાલ અને ગરનાળામાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય સજૉયુ છે .
આગામી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલ માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ હોય અને તેના કારણે ગ્રામજનો સહિતના લોકોને મુશ્કેલી ભોગવવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ હોય ત્યારે ઉપરોકત કેનાલ અને ગરનાળામાં ફેલાયેલા ઝાડી ઝાંખરા અને ગંદકી ને તાત્કાલિક ધોરણે દૂર કરી તેની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.