રજૂઆત:પાટણની પદ્મનાથ ચોકડીની દક્ષિણ ભાગની 17 સોસાયટીઓમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરાઇ

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મહિનામાં જો સુવિધાઓ ન કરાય તો જલદ આંદોલનની ચિમકી

પાટણ શહેરનાં ચાણસ્મા હાઇવે ઉપર પદ્મનાથ ચાર રસ્તાની દક્ષિણ ભાગની 17 સોસાયટીઓનાં પાયાની અને ભૌતિક સુવિધાઓ આગામી બે મહિનામાં પૂરી ન પાડવામાં આવે તો પદ્મનાથ વિસ્તારની સોસાયટીઓનું સંગઠન, પાટણ શહેર દ્વારા જલદ કાર્યક્રમો આપવામાં આવશે. એવી ચીમકી નવા સંગઠનનાં પ્રમુખ મદારસિંહ ગોહિલ તથા અન્ય પદાધિકારીઓ દશરથભાઇ એ. દરજી, ભાવેશભાઇ સોની, રમેશભાઇ ઠક્કર, દશરથભાઈ પટેલ વગેરેએ પાટણ નગરપાલિકાનાં પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફઓફીસરને આપેલા આવેદનપત્ર અને મૌખિક રજૂઆતમાં આપી હતી.

આ રજૂઆતો સાંભળીને અધિકારી તથા પ્રમુખ ઉપપ્રમુખે તમામ સુવિધાઓને ક્રમશ પૂરી પાડવાનો પ્રયત્ન કરાશે તેવી ખાત્રી આપી હતીને જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન 15 દિવસમાં ઉકેલાશે. જ્યારે પાણીનો પ્રશ્ન રામનગરમાં બનાવેલો પાણીનો બોર ટૂંક સમયમાં ચાલું થતાં તે પાણીની સમસ્યાનો અંત આવી જશે. તથા રોડ રસ્તા માટે ટેન્ડર પ્રક્રિયા લગભગ થઇ ચૂકી હોવાથી તેની કામગીરી ટૂંકમાં હાથ ધરાશે.

દરમ્યાન આ પદાધિકારીઓએ આપેલા આવેદનપત્ર અને રજૂઆતોમાં જણાવ્યું હતું કે, પાટણનાં પદ્મનાથ ચાર રસ્તાનાં દક્ષિણ ભાગની 17 જેટલી સોસાયટીઓ ઉપરાંત કેટલીક નવી બની રહેલી સોસાયટીઓમાં વેદ ટાઉનશીપથી સહર્ષવીલા અને સ્વદૂરવીલા સુધીનાં વિસ્તારમાં 1451 મકાનોમાં 4350 જેટલી માનવ વસ્તી રહે છે. જે તમામ નગરપાલિકાનાં વેરા ભરે છે, પરંતુ સુવિધાનાં નામે તેઓને કાંઇ મળતું નથી. તેઓએ આ વિસ્તારની વેદ ટાઉનશીપ, સિદ્ધયોગી બંગ્લોઝ, પદ્મદર્શન નિલકંઠ હોમ્સમાં પાટણ નગરપાલિકાનું પાણી કોઇ દિવસ પૂરતા પ્રમાણમાં આવતું નથી તે અંગે વારંવાર રજૂઆતો કરાઇ છે, પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી.

આ સોસાયટીઓને પોતાનાં બોર પણ નથી, અત્રેની વેદ ટાઉનશીપથી સ્વદુરવીલા અને સહર્ષવીલા, માતાજી મંદિર સુધીનો રસ્તો તૂટી ગયો હોવાથી તેને નવેસરથી બનાવવા, ઝાડી - ઝાંખરા દૂર કરી સ્વચ્છતા કરવા, પદ્મનાથ ચોકડીથી વેદ ટાઉનશીપ સુધીમાં ક્યાંય પણ સ્ટ્રીટલાઇટ ન હોવાથી રાત્રે અંધારામાં નિકળતાં ભય અને ચોરીના બનાવો બનતા હોવાથી તેની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી ને આ સમસ્યાઓનો સૂચારું ઉકેલ લાવવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...