તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:તપાસ અધિક ગૃહસચિવને,વીસીની હકાલપટ્ટીની શક્યતા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મંગળવારે યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બર બહાર અને કેમ્પસમાં હોબાળો - Divya Bhaskar
મંગળવારે યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બર બહાર અને કેમ્પસમાં હોબાળો
  • ર્ડા.જે.જે.વોરા પાસેથી પરીક્ષામાં નાણાકીય ઉચાપત મામલે વર્ષ 2013-14માં એક વર્ષ માટે કેમેસ્ટ્રી વિભાગના હેડનો ચાર્જ લઇ લેવાયો હતો
  • આજે વિધાનસભામાં યુનિ.ના કૌભાંડો મામલે થનાર ચર્ચા પૂર્વે શિક્ષણ વિભાગે કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકને બોલાવી પૂછપરછ કરી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસમાં ઉત્તરવહી અને ગુણ સુધારણા કૌભાંડ બહાર આવ્યા બાદ કુલપતિ ડૉ. જે.જે. વોરા કેમેસ્ટ્રી વિભાગના હેડ હતા ત્યારે પરીક્ષામાં નાણાકીય ઉચાપતમાં દોષિત ઠેરવાયા હોવાનું બહાર આવતાં સરકાર ઉપર માછલાં ધોવાઇ રહ્યા છે અને બુધવારે વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા થનાર છે. તે પૂર્વે સરકારે ઉચ્ચ શિક્ષણ નિયામક ચૂંટણીમાં વ્યસ્ત હોઈ તપાસ ગૃહ વિભાગના અધિક સચિવ પંકજકુમારને સોંપી કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકને બોલાવી પૂછપરછ કરી હતી.

દરમિયાન, કુલપતિ વોરા સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી થઇ શકે છે, પણ આ અંગે હાલ નિર્ણય લેવાયો નથી એમ સૂત્રોનું કહેવું છે. વર્તમાન કુલપતિ ડૉ. જે.જે. વોરા કેમેસ્ટ્રી વિભાગમાં 2006માં ડિપાર્ટમેન્ટ હેડ હતા. વર્ષ 2010 દરમિયાન તેમના વિભાગમાં પરીક્ષા કામગીરી માટે કરાયેલા ખર્ચમાં ખોટા માણસોના નામે બિલો ઉધારી નાણાકીય ઉચાપત કરી હોવાની તેમના જ વિભાગના પ્રોફેસરે રજૂઆત કરતાં યુનિવર્સિટી દ્વારા ઇડર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. પી.જે.પટેલને તપાસ સોંપાઇ હતી. જેમણે 19 માર્ચ, 2013એ યુનિ.માં તપાસ રિપોર્ટ સબમિટ કર્યો હતો.

જેમાં કેટલાક ખોટા નામો લખી બિલ બનાવ્યા હોવાનું તેમજ રેકોર્ડમાં છેડછાડ અને વિદ્યાર્થીઓ પાસેથી રકમ લઇ પાવતી અપાઇ ન હોવાના આક્ષેપો સાચા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. તેમના પર સ્કોલરશીપમાં વિદ્યાર્થીઓના નામે નાણાં ચાઉં કરવાના આરોપ પણ લાગ્યા હતા. જે મામલે તપાસ શરૂ કરાઈ હતી. ડૉ. પી.જે.પટેલના પ્રાથમિક રિપોર્ટ આધારે યુનિ.એ તેમની પાસેથી વર્ષ 2013-14 એક વર્ષ માટે હેડનો ચાર્જ લઇ વિભાગના પ્રોફેસર સંગીતાબેનને સોંપ્યો હતો.

દરમિયાન, મંગળવારે યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિ અને ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા કુલપતિની ચેમ્બર બહાર અને કેમ્પસમાં અને હોબાળો મચાવી કુલપતિ વોરા સામે કાર્યવાહી કરવા અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સાથે પરીક્ષા નિયામકની નિમણૂંક મોકૂફી હટાવી ફરજ પર પરત લેવા માંગ કરાઇ હતી.

શિક્ષણમંત્રીએ કહ્યું, સરકાર કોઈને છોડવા કે છુપાવવા માગતી નથી, તપાસમાં વિલંબ ન થાય માટે તપાસ અધિકારી બદલ્યા
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયાને જણાવ્યું કે, ઉત્તરવહી કથિત કૌભાંડ મામલે સરકાર કંઈ છુપાવવા કે કોઈને છોડવા માંગતી નથી. ચાર દિવસ અગાઉ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને તપાસ સોંપી હતી. પરંતુ તેઓ હાલ ચૂંટણીકાર્યમાં ગયા હોઈ 3 સપ્તાહ લાગે તેમ હોઈ સરકાર આ બાબતે કોઈ વિલંબ ઇચ્છતી ન હોઈ ઉચ્ચ શિક્ષણ કમિશનર એમ. નાગરાજનના બદલે હવે ગૃહ વિભાગના એસીએસ પંકજકુમારને સોંપાઇ છે. સત્વરે તેની તપાસ કરી નિર્ણય લેવામાં આવશે.

શિક્ષણવિભાગ કુલપતિને લાંબી રજાઓ પર ઉતારી શકે છે
ઉત્તરવહી કૌભાંડ મામલે શિક્ષણ વિભાગે કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકને મંગળવારે બોલાવી વિધાનસભામાં રજૂ કરવામાં આવનાર માહિતી સહિત અન્ય આરોપ અંગે તેમની પૂછપરછ કરી હતી. તેમજ કોઈને ચાર્જ આપવા માટે ડીનની યાદી પણ મગાવાઇ હતી. જેને પગલે હાલમાં તપાસ ચાલુ છે ત્યારે કોઈ ડિનને ચાર્જ સોંપી કુલપતિને લાંબી રજા પર ઉતારી શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

કુલપતિનું રટણ, હું નિર્દોષ છું, સત્ય બહાર આવશે
કુલપતિ ડૉ.જે.જે. વોરાએ જણાવ્યું કે, જે સમયે આક્ષેપો મામલે તપાસ કરાઇ હતી. જેમાં તટસ્થ તપાસ થાય માટે મારો ચાર્જ લઇ લેવાયો હતો.પરંતુ તપાસમાં કોઈ તથ્ય બહાર ન આવતાં મને પરત ચાર્જ સોંપાયો હતો. તેમાં પણ ખોટા આક્ષેપો હતા. એમબીબીએસ મામલે જણાવ્યું કે, શિક્ષણ વિભાગે બોલાવ્યા હતા. આ બાબતે પ્રશ્નોતરી કરાઇ તેના જવાબો આપ્યા છે. આમાં પણ સત્ય બહાર આવશે.

વિધાનસભામાં આજે કુલપતિના કૌભાંડ મામલે મુદ્દો ઉછળશે : ધારાસભ્ય
પાટણ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જણાવ્યું કે, વિધાનસભામાં પરીક્ષાના કૌભાંડ અને અગાઉ કરેલી રજૂઆત અંગે સરકારે શું કાર્યવાહી કરી તે બાબત પૂછવામાં આવી છે. બુધવારે તે મુદ્દે સરકાર જવાબ રજૂ કરશે. તેના પરથી ખબર પડશે કે શું કાર્યવાહી કરાઈ છે. તપાસ ગૃહ વિભાગને સોંપાઇ છે. મને વિશ્વાસ છે કે તેઓ તટસ્થ અને ઝડપથી આ બાબતે તપાસ કરી રિપોર્ટ આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો