પાટણ નગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે 29 તારીખે મળવાની છે જેમાં લગભગ 100થી વધારે કામો ચર્ચામાં લેવાની શક્યતા છે, જેમાં પડતર કામો અને એજન્સીના કામો અંગેના વિવાદો તેમજ તાજેતરના ભૂગર્ભ અને પાણી ભરાવાના પ્રશ્નો અંગે ઉગ્ર ચર્ચા થવાની શક્યતા હોવાના નિર્દેશ મળી રહ્યા છે .સામાન્ય સભા અગાઉ ગુરુવારે ભાજપ દ્વારા પક્ષના કોર્પોરેટરની બેઠક યોજી હતી.જેમાં અંદર અંદર ટકરાવ પેદા ન કરવા સૂચના આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સામાન્ય સભા અગાઉ વોટર વર્કસ ભૂગર્ભ ગટર તેમજ અન્ય સમિતિઓને બેઠકો મળી હતી જેના કામો કારોબારી સમિતિમાં ચર્ચામાં લેવાયા બાદ સામાન્ય સભામાં મંજૂરી અર્થે ભલામણ કરવામાં આવી હતી. તે મુજબ પાણીની પાઇપલાઇનમાં ગેરરીતિ ના બે કિસ્સામાં દંડકીય કાર્યવાહી, રોડ રસ્તાના કામો માટેની એજન્સીને છૂટી કરવા કે અન્ય કાર્યવાહી કરવા સામાન્ય સભામાં નિર્ણય થશે.
હાલમાં ચોમાસાના દિવસો ચાલી રહ્યા હોવાથી વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો છે તે ઉપરાંત ભૂગર્ભ ગટર ચોકઅપ થવાના અંગે બુધવારે કોંગ્રેસ પક્ષ દ્વારા રસ્તા રોકો આંદોલન કરાયું હોવાથી આ મુદ્દે પણ વિપક્ષ દ્વારા ઉગ્ર ચર્ચા થવાની શક્યતા છે. સામાન્ય સભાના એજન્ડામાં 80થી વધારે કામો લેવાયા છે.
આ ઉપરાંત વધારાના કામો પણ પાછળથી પુરવણી એજન્ડામાં ચર્ચામાં લાવવામાં આવે છે તે જોતા 100 થી વધુ કામોની ચર્ચા થવાની શક્યતા છે. યુનાઇટેડ નેશન દ્વારા જળસંચય માટે વોટર ક્રેડિટ મળવા પાત્ર થાય છે તે માટે પ્રોજેક્ટ તૈયાર કરવા વડોદરાની માતૃ એનર્જી સર્વિસ કોર્પોરેશનને એક વર્ષ માટે રોકવા કારોબારી દ્વારા ભલામણ કરાઈ હતી તેમાં નિર્ણય કરીને કામ સોંપાશે તેવા નિર્દેશ મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.