પ્રવેશોત્સવ:નવા શૈક્ષણિક સત્રમાં પાટણમાં 16500 બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવશે

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા સત્રમાં શાળા પ્રવેશપાત્ર 16500 પૈકી 13646 બાળકો બક્ષીપંચ સમાજના

નવા શૈક્ષણિક સત્રમાં પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવવા પાત્ર બાળકોનો શિક્ષકો દ્વારા ગામે ગામ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં પાંચથી 14 વર્ષના 16532 બાળકો મળી આવ્યા છે. જેમાં 8510 કુમાર અને 8022 કન્યાઓ નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવશે.

ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે આ વખતે કોરોનાના બે વર્ષ પછી પ્રાથમિક શાળાઓમાં સરકાર પ્રવેશોત્સવ ઉજવશે. પરંતુ તે પહેલા પાટણ જિલ્લાના તમામ ગામોમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ધોરણ એકમાં પ્રવેશપાત્ર બાળકોનો સર્વે કરાવવામાં આવ્યો છે. જેમાં પાંચથી 14 વર્ષના શાળામાં પ્રવેશપાત્ર 16532 બાળકો મળી આવ્યા છે.

8510 કુમાર અને 8022 કન્યાનો સમાવેશ થાય છે. જેમાં શાળામાં ન આવી શકે તેવા કે જે વૈકલ્પિક કેન્દ્રમાં પ્રવેશપાત્ર હોય તેવા નવથી 14 વર્ષના 40 બાળકો છે. જેમાં 25 કુમાર અને 15 કન્યા છે. જ્યારે શાળાએના જતા છથી 14 વર્ષના ધોરણ 1થી 8માં પુનઃ પ્રવેશપાત્ર 25 બાળકો છે.

ઉલ્લેખનિય છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં વધારે બાળકો પ્રવેશ મેળવે તે માટે બે વર્ષ અગાઉ ગામે ગામ પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા વાલીઓ સાથે રાત્રી સભાઓ કરવામાં આવી હતી અને તેની સફળતા પણ મળી હતી. પરંતુ આ વખતે તંત્ર દ્વારા આવો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.

2 વર્ષ બાદ શાળાઓમાં પ્રવેશોત્સવ થશે
પ્રાથમિક શિક્ષણ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી શાળાઓમાં પ્રવેશોત્સવ કરવામાં આવ્યો નથી. પરંતુ આ વખતે પ્રવેશોત્સવ માટેની સૂચના છે પરંતુ હજુ કોઈ વિગતો માગવામાં આવી નથી કે આપવામાં પણ આવી નથી. પરંતુ અગાઉ શૈક્ષણિક સત્ર શરૂ થયાના પ્રથમ અઠવાડિયામાં શાળાઓમાં પ્રવેશોત્સવ કરવામાં આવતો હતો એટલે આ વખતે પણ તે પ્રમાણે જ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...