પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સંસદસભ્ય તથા ધારાસભ્યઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આ મીટિંગમાં રાધનપુર શહેરમાં ઘન કચરાનો નિકાલ, સાંતલપુર તાલુકાના ગામોમાં પીવાના પાણીની સમસ્યા, પાટણ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીનો પ્રશ્ન વગેરે બાબતો પર જિલ્લા કલેક્ટરએ સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ઉનાળાની શરૂઆત થતાં રાધનપુર અને સાંતલપુર તાલુકા તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે એ સુનિશ્ચિત કરવા માટે કલેક્ટરએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું.
કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જિલ્લાની શાળાઓમાં વિધ્યાર્થીઓ માટે તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ચકાસવા માટે જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને સૂચના આપી હતી.
જિલ્લાની દરેક કચેરીમાં સંસદસભ્ય તથા ધારાસભ્યઓના પ્રશ્નોના રજીસ્ટર નિભાવવા બાબતે તથા સંકલન સમિતિ માટેના પત્રકો નિયત સમયમાં મોકલી આપવા બાબતે નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ, મદદનીશ કલેક્ટર સચિન કુમાર, વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.