રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરાઓ/માંજાઓના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. સરકારના આદેશ અનુસાર પાટણ જિલ્લા પોલીસતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પતંગ/ફિરકીનો વેપાર કરતા વેપારીઓની દુકાનો પર જઈને ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. છેલ્લા 10 દિવસની વાત કરીએ તો પાટણ જિલ્લા પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી/માંજા ફીરકીઓનું ગેરકાયદેસર વેચાણ કરતા કુલ 51 જેટલા વેપારીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સરકારની સૂચના મુજબ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ તેમજ સમગ્ર જિલ્લા પોલીસતંત્ર દ્વારા હાલમાં સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. પાટણ જિલ્લામાં ચાઈનીઝ દોરી/માંજા ફીરકીઓના તેમજ તુક્કલના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.03.01.2023ના રોજ જાહેર કરવામાં આવ્યું હતુ. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદથી તુરંત જ જિલ્લા પોલીસતંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
પાટણ જિલ્લાના એલ.સી.બી. અને એસ.ઓ.જી. બ્રાન્ચ તેમજ જુદા-જુદા પોલીસ સ્ટેશન દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ છેલ્લા 10 દિવસમાં કુલ 51 ગુન્હા જેમાંથી એલ.સી.બી. બ્રાન્ચ દ્વારા કુલ 11 ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. ગુન્હા દાખલ કરીને કુલ 55 ઈસમોની ફીરકી નંગ-1137 કિંમત રૂ.2,81,950 ના મુદ્દામાલ સાથે ઈ.પી.કો. કલમ-188 મુજબ અટકાયત કરવામાં આવી છે.તા.03.01.2023 થી તા.18.01.2023 સુધીના જાહેરનામા મુજબ ચાઈનીઝ તુક્કલ/સિન્થેટીક માંજા/ચાઈનીઝ માંજા/પ્લાસ્ટીક દોરી અને તેના જેવી સિન્થેટીક દોરીના આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ચાઈનીઝ તુક્કલ/સિન્થેટીક માંજા/ચાઈનીઝ માંજા/પ્લાસ્ટીક દોરી દોરીના આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કરવાના પ્રતિબંધ સંદર્ભે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા જુદા-જુદા વિસ્તારો જેમ કે, શાળાઓ, કોલેજો વગેરેમાં જઈને અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે અને તમામ પાટણવાસીઓને ચાઈનીઝ દોરીનો ઉપયોગ કર્યા વિના સલામતી સાથે ઉતરાયણનો પર્વ ઉજવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.