પાટણ પાલિકાની સામાન્ય સભા ગત 16મી એપ્રિલના રોજ મળી હતી. જેમાં અંદાજે પોણા બે કરોડના કામો નક્કી કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ આવી જતા હજુ સુધી એ કામો નક્કી કરી શકાયા નથી. નજીકમાં ચૂંટણી દસ્તક દઈ રહી છે. ત્યારે કામો નક્કી ક્યારે થશે અને સમયસર શરૂ અને પૂર્ણ થશે કે કેમ તેવી અવઢવની સ્થિતિ સર્જાઈ રહી છે. જોકે આગામી ટૂંક સમયમાં નવા કામો નક્કી કરી દેવામાં આવશે. તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા પાટણ નગરપાલિકાને 15મા નાણા પંચમાં વર્ષે 2021 - 22ની બીજા હપ્તાની અનટાઈડ રૂ.1 કરોડ 11 લાખ ઉપરાંતની ગ્રાન્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ ફાળવવામાં આવી હતી. જેના કામો સરકારની માર્ગદર્શિકા પ્રમાણે નક્કી કરીને સૂચિત કરવા અંગે નગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વ્યવસાય વેરાની રૂ. ૬૪૨૬૬૫૩ ગ્રાન્ટમાં મનોરંજન કરની માર્ગદર્શિકા હેઠળ કામ નક્કી કરવાના થાય છે.
આ અંગે સામાન્ય સભામાં ચર્ચા થતા કામ નક્કી કરવા માટે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ તેમજ કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલને સત્તા આપવામાં આવી હતી. તેમજ કામો નક્કી કરીને સામાન્ય સભામાં રજૂ કરવા નિર્ણય કરાયો હતો.
જોકે આ ગ્રાન્ટના વિવિધ કામો હજુ સુધી નક્કી કરી શકાયા નથી. હાલમાં ચૂંટણી લક્ષી ગતિવિધિઓ તેજ બની જવા પામી છે. ચૂંટણી પહેલાં તાજેતરમાં નવા મંજૂર કરાયેલા અને આ આયોજન કરવાના બાકી નવા વિકાસલક્ષી કામો થઈ શકશે કે કેમ તેને લઈ અટકળો થઈ રહી છે.
બધાજ કામો સમયસર પૂરા થશે: સત્તાધીશો
આ અંગે પાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિને પૂછતાં તેમણે જણાવ્યું કે સામાન્ય સભા પછી રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીની કામગીરીમાં વ્યસ્તતાના કારણે આ કામો નક્કી થયા નથી પરંતુ આગામી ટૂંક દિવસોમાં વોટર વર્કસ સહિતના કામો નક્કી કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે બધીજ ગ્રાન્ટના બધાજ કામો સમયસર પૂરા થશે અને લોકોને સુખાકારી સુવિધાઓ મળી રહેશે. કોઈ કામ બાકી નહીં રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.