પોલીસની ડ્રાઇવ:સિદ્ધપુરમાં પ્રતિબંધ છતાં વાહન ચલાવતાં 50 સગીરો પકડાતાં કોર્ટમાં ગુના નોંધાયા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર પોલીસે એક મહિનાથી ખાસ ડ્રાઇવ યોજી હતી સગીર વાહન ચલાવતાં પકડાય તો તેને 25 વર્ષની વય સુધી લાયસન્સ મળશે નહીં

સિદ્ધપુર વિસ્તારમાં નાની વયનાં બાળકો દ્વારા વાહનો ચલાવવાનાં કારણે વધી રહેલા જીવલેણ અકસ્માતોને નાથવા માટે સિદ્ધપુર ડી.વાય.એસ.પી. સી.એલ. સોલંકી તથા પી.આઇ. ચિરાગ ગોસાઇ તથા સ્ટાફે ખાસ પ્રકારની ડ્રાઇવ યોજાઇ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને સિદ્ધપુર પોલીસ વિસ્તારમાં એક મહિનામાં 50 બાળકો અનધિકૃત રીતે વાહનો ચલાવતા મળી આવ્યા હતાં.

પોલીસે તેમનાં વાહનોને ડીટેઇન કરીને સગીરને વાહન ચલાવવા માટે આપનારા માતા-પિતા કે વાહન માલિક વિરુદ્ધ પણ એમ.વી.એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યા હતા.

પોલીસનાં જણાવ્યા પ્રમાણે આ એકટ અંગર્તત ત્રણ વર્ષ સુધીની ચલાવતાં પકડાય તો તેને રૂ. 25 હજારનો દંડ તથા આવા વાહનનું રજિસ્ટ્રેશન રદ ગણાશે ને આવા કિશોર વાહન ચાલકને કિશોરની 25 વર્ષની વય થાય ત્યાં સુધી લાયસન્સ આપી શકાશે નહીં. તેવી જોગવાઇ કરાઇ છે. આવા 50 વાહન ચલાવનારા સામે 50 જેટલા એન.સી. ગુના કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. ને ભવિષ્યમાં પણ આ કાર્યવાહી ચાલું રાખવામાં આવશે.

ત્રણ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ
આ કિસ્સામાં સિદ્ધપુર પોલીસે સગીરને વાહન ચલાવવા માટે આપનાર માતા-પિતા કે વાહન માલિક વિરુદ્ધ એમ વી એક્ટ કલમ 1988 ની કલમ 4,5,180,199 (એ)(એમેડમેન્ડ2019) મુજબ કાર્યવાહી કરી છે. જેમાં ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને 25000 દંડ તેમજ આવા મોટર વાહનનું રજિસ્ટ્રેશન રદ ગણાશે. તેમજ આવા કિશોર વાહન ચાલકને 25 વર્ષની વય થાય ત્યાં સુધી લાયસન્સ આપી શકાશે નહીં તેવી જોગવાઈ છે.

હવે સગીર છાત્ર પકડાશે તો શાળાની જવાબદારી : PI
સિદ્ધપુરના પી.આઈ ચિરાગ ગોસાઈએ જણાવ્યું હતું કે 50 સગીરમાં મોટાભાગના શાળાએ જતા વિદ્યાર્થીઓ છે. એટલે હવે પછી વાહન લઇને શાળાએ જતા સગીર વિદ્યાર્થીઓ પકડાશે તો શાળા ની જવાબદારી નક્કી કરવામાં આવશે. જેમાં જુવેનાઈલ બાળકને અનઅધિકૃત કામગીરીમાં મદદગારી ગણવામાં આવશે.

16 વર્ષ પછી લાયસન્સ મેળવી ગિયર વગરના વાહન ચલાવી શકાય
આ બાબતમાં આરટીઓ અધિકારી એસ.કે ગામીતે વધુમાં જણાવ્યું હતું કે જુદી જુદી કેટેગરી નક્કી કરવામાં આવેલી છે. છતાં 16વર્ષ પછી એમ.સી.ડબ્લ્યુ. ઓ.જી લાયસન્સ મેળવ્યા બાદ ગિયર વગરના વાહન ચલાવી શકે છે. જ્યારે 18 વર્ષ પછી એમ.સી.ડબ્લ્યુ.જી લાયસન્સ મેળવ્યા બાદ ગિયરવાળા અને ફોર વ્હીલર વાહન ચલાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...