રજૂઆત:સાંતલપુર તાલુકામાં મીઠું પકવતા અગરિયાઓના શ્રમ યોગી કાર્ડ બંધ થતાં આવેદનપત્ર આપ્યું

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગરિયા હિત રક્ષક મંચ દ્વારા પત્રકારોને માહિતી આપી જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર સુપ્રત કર્યું

પાટણ પંથકના અગરિયા પરિવારજનોને થયેલા અન્યાય સામે અગરિયા હિત રક્ષક મંચ દ્વારા ગુરૂવારના રોજ જિલ્લાનાં ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે પાટણ મુકામે બેઠક યોજી સુવિસ્તાર માહિતી આપવામાં આવી હતી.

સાંતલપુર વિસ્તારમાં પરંપરાગત રીતે મીઠુ પકવતા અગરિયાઓ સામે શ્રમ અને રોજગાર વિભાગની એક તરફી કાર્યવાહી બંધ કરવામાં આવે અને અગરિયાઓના રદ કરાયેલા ઓળખકાર્ડો ફરીથી રીન્યુ કરવામાં આવે તેવી રજૂઆત સાથે ગુરૂવારના રોજ જિલ્લાનાં ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે પાટણ મુકામે બેઠક યોજી સુવિસ્તાર માહિતી આપવામાં આવી હતી.

અગરિયા હિતરક્ષક મંચના આગેવાનો એ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સાંતલપુર વિસ્તારના 1244 અગરિયા ઓના રદ કરાયેલા ઓળખકાર્ડોની કામગીરી બાબતે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા અગરિયા ઓના ઓળખકાર્ડ રદ કરવામાં આવે તો સરકારની વિવિધ યોજનાઓ બંધ થઇ જાય તેમજ તેમના બાળકોને શિષ્યવૃત્તિ સહિત આરોગ્યલક્ષી સેવાઓ અને અગરિયાઓના જમીનનો હકક પણ છીનવાઇ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ હોય માટે અગરિયા ઓના ઓળખકાર્ડ રદ કરવાની કામગીરી સરકાર તાત્કાલિક બંધ કરે તેવી અગરિયા હિતરક્ષક મંચના આગેવાનોએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું.

પત્રકારોને માહિતી આપ્યા બાદ અગરિયા હિતરક્ષક મંચના આગેવાનોએ આ બાબત અંગે જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કચ્છના નાના રણનાં ખારા પાટમાં કાળી મજુરી કરી સફેદ મીઠું પકવતા અગરિયાઓનો સમુદાય આઠ માસ માટે સ્થળાંતર કરી મીઠાની ખેતી વડે ગુજરાન ચલાવે છે.

જિલ્લા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 1244 જેટલા અગરિયાઓના ઓળખ કાર્ડ અચાનક રદ કરી દેવામાં આવતા તેઓનો જીવન નિર્વાહ છીનવાઇ જાય તેવી ભીતી સેવાઇ રહી છે.

આ બાબતે તંત્ર દ્વારા અગરિયા ઓના હિતમાં તાત્કાલિક ધોરણે કોઇ નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અગરિયા હિતરક્ષક મંચ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સામે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આ પ્રસંગે અગરિયા હિતરક્ષક મંચના મહેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, પ્રદિપ રાજગોર, ઘનશ્યામ ઝુલા, હરેશ પંડયા સહિત પંથકના અગરિયાઓ પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...