રાધનપુરમાં વોર્ડ નં.1માં રેલવે સ્ટેશન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. મહિલાઓએ બુધવારે નગરપાલિકામાં આવીને માટલા ફોડી હંગામો કર્યો હતો અને નગરપાલિકા હાય હાયના નારાથી સમગ્ર વાતાવરણને ગજવી મુક્યું હતું. મહિલાઓએ માટલા ફોડીને છાજીયા લીધા હતાં.
પીવાનું પાણી ન મળતું હોવાને લઇને મહિલાઓ અને પુરુષોના ટોળાં નગરપાલિકા કચેરી ખાતે ધસી આવ્યા હતાં. કચેરીના પ્રાંગણમાં જ અડિંગો જમાવીને રામધૂન ચાલુ કરી દીધી હતી. ભગવાન નગરપાલિકાને સદબુદ્ધિ આપે તેવા સૂત્રો પણ પોકાર્યા હતાં.
ત્રણ મહિનાથી પીવાનું પાણી ના મળતાં મહિલાઓ અને રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. પાલિકા કચેરીમાં રજૂઆત બાદ મહિલાઓ અને રહીશો નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.
રહીશ મેવાભાઇ ભરવાડના જણાવ્યા મુજબ, અમારા વિસ્તારમાં પીવાના પાણીની ત્રણ મહિનાથી સમસ્યા છે. અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્યો જોવા પણ નથી આવ્યા. ફોન કરીએ તો ઉપાડે નહીં અથવા તો કાપી નાંખે છે. જો પીવાનું પાણી સમયસર નહીં મળે તો સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને ભૂખ હડતાળ ઉપર બેસી જઈશું.
પાલિકા પ્રમુખ કાનજીભાઈ પરમારના જણાવ્યા મુજબ, રેલવે સ્ટેશનના બોરની મોટર બળી ગઈ છે. નવી મોટર નાખવી પડે તેમ છે, પરંતુ ચીફ ઓફિસર આવતાં નથી અને સહીઓ કરતાં નથી. જેથી નવી મોટર લાવવામાં સમસ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.