દિવાલ ધરાશાયીના બે બનાવો:રાધનપુરમાં ઝૂંપડપટ્ટી ઉપર દીવાલ પડી, બે મજૂરો દટાયા, પાટણમાં કેનાલ પર બનાવેલી દિવાલ પડતા પાલિકાની પોલ ખુલી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકો દ્વારા બન્ને વ્યક્તિઓને બહાર કાઢી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા
  • કોન્ટ્રાકટર દ્વારા દીવાલ નજીક વધુ માટી નાખવાથી ઘટના બની હોવાનું અનુમાન

રાધનપુરમાં શાંતિધામ નજીક રાત્રે અચાનક દિવાલ ધરાશાયી થતાં પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા બે વ્યકિતઓ દટાઇ જવાની ઘટના સામે આવી છે. જોકે, સ્થાનીકોએ સમયસૂચકતા વાપરી દટાયેલા બંને વ્યકિતઓને બહાર કાઢતા મોટી જાનહાનિ ટળી હતી. તો પાટણ બ્રહ્માકુમારી કેનાલ પર બનાવેલી સ્વરક્ષણ દિવાલ સામાન્ય વરસાદમાં જ ધરાશાયી થતાં પાલિકાની પોલ ખુલી છે.

બે લોકો દટાયા
રાધનપુરના શાંતિધામ નજીક પાણી પુરવઠા વિભાગનું કામ ચાલતું હતું. જ્યાં વધુ માટી નાખવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ દિવાલ અચાનક ધરાશાયી થઇ જતાં પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા બે વ્યકિતઓ દટાઇ ગયા હતા. ત્યારે આ ઘટનાને પગલે સ્થાનીક રહીશો દ્વારા દિવાલ નીચે દટાયેલા બંને વ્યકિતઓને તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જેને લઇ મોટી જાનહાનિ ટળી હતી.

લાખોના ખર્ચે દિવાલ બનાવી હતી
આ ઉપરાંત પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝનને અનુલક્ષી બ્રહ્માકુમારી માર્ગ પર આવેલી કેનાલમાં વરસાદી પાણીના અવરોધ અને કેનાલમાં ઠલવાતી ગંદકીની સમસ્યાને દુર કરવા શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવાયેલ ગ્રાન્ટમાંથી લાખો રુપિયાના ખર્ચે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે. ત્યારે ગતરોજ રાત્રિ દરમિયાન પડેલા સામાન્ય વરસાદમાં જ દિવાલ ધરાશાયી થઈ જતાં તેની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પોલ ખુલ્લી થઈ જવા પામી છે.

હલકી ગુણવત્તા વાળી દીવાલ કરી હોવાનો આક્ષેપ
નગરપાલિકામાં ભાજપ સાશીત બોડીના સુધરાઇ સભ્યો તેમજ કોન્ટ્રાકટરની મીલીભગતને લઇ વિકાસના કામોમાં થતાં ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ બનાવાયેલી આ દિવાલ ધરાશાયી થઇ જવાની ઘટનામાં નગરપાલિકાના વિપક્ષના સુધરાઈ સભ્ય ભરત ભાટીયાએ આ કામગીરીમાં પાલિકાના સભ્યોએ કોન્ટ્રાકટર સાથે મળી હલકી ગુણવત્તાવાળી કામગીરી કરાવી હોવાના આક્ષેપો કર્યા છે.

બ્લોક લિસ્ટમાં મૂકી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારની કામગીરી કરનાર કોન્ટ્રાકટરને તાત્કાલિક અસરથી બ્લેક લીસ્ટમાં મૂકી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...