રાધનપુર શહેરમાં મંડાઈ ચોક વિસ્તારમાં બે શખ્સો દ્વારા સરકારી જમીનમાં બિનઅધિકૃત રીતે વીજ કનેક્શન અને પાણી જોડાણ મેળવી લઈ વોટર સપ્લાય ફેક્ટરી શરૂ કરી દેતા આ મામલો તંત્રના ધ્યાનમાં આવતા રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
રાધનપુર શહેરના મંડાઈ ચોક વિસ્તારમાં ઝમ ઝમ વોટર સપ્લાય ફેક્ટરી ચાલુ કરી છે જેમાં ગુલામહુસેન ગનીભાઈ અને વોરા અબ્દુલ બાસિત અબ્દુલ બારી દ્વારા શહેરના સીટી સર્વે નંબર 5490 વાળી સરકારી જમીનમાં બિનઅધિકૃત રીતે અને પૂર્વ નિયોજિત કાવતરું રચી ફેક્ટરી શરૂ કરી હતી અને તેમાં ગેરકાયદેસર રીતે ugvcl કંપનીનું વીજ જોડાણ તેમજ નગરપાલિકાનુ પાણીનું જોડાણ મેળવી લીધું હતું.
આ અંગે શહેરના એક રહીશ દ્વારા સરકાર દ્વારા પાટણ જિલ્લામાં રચેેલ સમિતિને ગત 8 માર્ચના રોજ અરજી કરી હતી જે કલેકટર દ્વારા નાયબ કલેકટર રાધનપુર, નાયબ પોલીસ અધિક્ષક, નગરપાલિકાના ચીફ ઓફિસર, સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ ,વીજ કંપનીના નાયબ ઇજનેરને તપાસ માટે મોકલી આપી હતી.
જેમાં તપાસ કરી અહેવાલ મોકલી આપતા ગુજરાત લેન્ડ ગ્રેડિંગ કાયદા અન્વયે સમિતિની બેઠકમાં વિચારણા અને સમીક્ષા કરતા જમીન સરકાર હસ્તક ચાલે છે અને તેના પ્રોપર્ટી કાર્ડમાં કોઈ નોંધ દાખલ થયેલ નથી કે કોઈ ગ્રાન્ટની નોંધ થઈ નથી.અને અનધિકૃત કબજો કરી દેવાયાનુ સ્પષ્ટ થતાં સમિતિના નિર્ણય મુજબ પાટણના સીટી સર્વે કચેરીના શિરસ્તેદાર રમણજી સોમાજી ઠાકોર દ્વારા રાધનપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે જે અંગે ડીવાયએસપી એચ.કે.વાઘેલા તપાસ ચલાવી રહ્યા છે.
જીઈબી અને નગરપાલિકા પાસે ખુલાસા મંગાયા
સરકારી જમીનમાં બંને આરોપીઓ દ્વારા લાઇટ અને પાણીના જોડાણ મેળવેલા હોવા થી આ સંબંધે વીજતંત્રના ઇજનેર અને પાલિકાના ચીફ ઓફિસર પાસે ખુલાસો માગવા સર્વાનુમતે ઠરાવ સમિતિની બેઠકમાં કર્યો છે.એટલે બંને કચેરીમાં જોડાણો કઈ રીતે આપ્યા તેમાં તપાસ થશે અને જવાબદારો સામે પગલાં લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.