ગામમાં અજંપાભરી સ્થિતિ:પાટણના ભાટસણમાં અનુસુચિત જાતિના વરઘોડા પર પથ્થરમારો, પોલીસ બંદોબસ્ત સાથે ફરી વરઘોડો નીકળ્યો

પાટણ12 દિવસ પહેલા
  • વરઘોડા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો
  • પથ્થરમારામાં ચાર લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી
  • પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી વરઘોડો કાઢવામાં આવ્યો

પાટણના ભાટસણ ગામમાં કેટલાક શખ્સોએ અનુસુચિત જાતિના યુવકના લગ્નના વરઘોડા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ચાર લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જોકે, ત્યારબાદ પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

4 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે ગુરુવારે સવારે 9 વાગ્યા આસપાસ અનુસૂચિત જાતિના વિજય રામજી પરમાર લગ્ન પ્રસંગે ગામમાં ડીજે સાથે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો. ત્યારે કેટલાક શખ્સોએ વરઘોડા ઉપર પથ્થરમારો કરતા નાસભાગ મચી જવા પામી હતી. પથ્થરમારાના અચાનક હુમલાને લઇ ચાર લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઇ
લગ્ન પ્રસંગમાં બનેલી આ ઘાંઘલ ધમાલને લઇ થોડા સમય માટે ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇ પોલીસનો બંદોબસ્ત ગોઠવતા મામલો શાંત પડયો હતો. ત્યારબાદ પોલીસના બંદોબસ્ત વચ્ચે ફરી વરઘોડો વાજતે ગાજતે કાઢવામાં આવ્યો હતો અને વરરાજાની જાન સાપ્રા ગામે ગઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આમ જાન ફરી નીકળતા જોડાયેલા સૌ જાનૈયાઓએ હાશકારો અનુભવ્યો હતો.

આ અંગે DySP એસ.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, આજે સવારે સાત વાગ્યે રામજીભાઈના દીકરાનો લગ્નનો વરઘોડો નીકળવાનો હતો. 10 વર્ષ થીકોઈએ વરઘોડો કાઢવો નહીં તેવી નક્કી કરેલું છતા પરિવારે વરઘોડો કાઢવાનું નક્કી કર્યું હતું અને અમને અગાઉથી જાણ કરી હતી, તે માટે ચાર રસ્તા ઉપર અને ઘરે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી હતી. ત્યારે વરઘોડો નીકળ્યો અને લગભગ પતવા આવ્યો હતો. ત્યારે અમુક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. એમાં બેથી ત્રણ જણાંને નાની મોટી ઈજા થઈ છે. હાલમાં દવાખાને કોઈ દાખલ નહીં છતાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે અને ત્યાર બાદ ફરી વરઘોડો નીકળી ગયો છે. હાલમાં ગામમાં શાંતિ છે. ગામમાં 1 ડીવાયએસપી, 2 પીઆઈ અને 50 પોલીસ હાલમાં બંદોબસ્તમાં હાજર છે.

આ હુમલામાં અત્યાર સુધી 6 જેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે. અમારી તપાસ ચાલુ છે, તેમની ફરિયાદ આવે એના પછી આગળ વધુ તાપશ ધરાશે. હાલમાં ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...