પ્રેમ કરવાની આ તે કેવી સજા:હારીજમાં પ્રેમી સાથે ભાગેલી સગીરાનું મોઢું કાળું કરાયું, મૂંડન કરી માથે ગરમ દેવતા મૂકી વસાહતમાં ફેરવી, 17ની અટકાયત

પાટણ2 મહિનો પહેલા
  • વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા તાલિબાની સજા અપાઈ
  • સગીરાને ગામમાં ફેરવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
  • આ ઘટના પાંચ દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું
  • પોલીસ અને કલેકટર હારીજ પહોંચ્યા

ગુજરાતમાં મહિલા અત્યાચારના અનેક કિસ્સાઓ છેલ્લા થોડાક મહિનાઓથી સામે આવ્યા છે. પાટણ જિલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે સગીરા ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા સગીરાને આપવામાં આવી હોવાનો વીડિયો ફરતો થયો છે. વીડિયોમાં જે હદે સગીરા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જોઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી સગીરાનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું, માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી. જે વીડિયો વાઈરલ થયા છે, એ ઘટના પાંચ દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર એકશનમાં આવ્યું છે. પાટણ એસપી અને કલેકટર હારીજ પહોંચ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં 17 લોકોની અટકાયત કરી લેવામા આવી છે.

કડક કાર્યવાહી કરશે: જિલ્લા પોલીસ વડા

આ બાબતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એ જણાવ્યું હતું કે આ જધન્ય ધટનામાં સંડોવાયેલા તમામ 17 જેટલાં લોકોની અટકાયત કરી આવો બનાવ ફરીથી ન બને તે માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.પીડિતાને પણ પોલીસ રક્ષણ સાથે તેની ઈચ્છા હશે ત્યાં મોકલી આપવામાં આવશે.

દીકરીને આકરી સજા કરવામાં આવી
હારીજની વાદી વસાહતમાં રહેતી એક સગીરાને પ્રેમ થઇ ગયો હતો. સગીરાને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેણે સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગવાનો નિર્ણય કર્યો હતો. સગીરા પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી પરંતુ સગીરાના આ પગલાની જાણ વસાહતને થતાં સગીરાને પકડીને વસાહતમાં લાવવામાં આવી હતી. સગીરાએ વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા સમાજના આગેવાનોએ સમાજની દીકરીને આકરી સજા આપવાનો નિર્ણય કર્યો હતો.

માથે ટકો કરી વસાહતમાં ફેરવવામાં આવી
સગીરાને વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાથી સમાજના આગેવાનોએ તેને તાલિબાની સજા ફટકારી હતી. સગીરાના માથે મૂંડન કરવામાં આવ્યું હતું. કલાડીથી તેનુ મોઢું કાળું કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મુકવામાં આવ્યા હતા. આટલેથી ન અટકતા સગીરાના હાથ બાંધી, માથા પર ગરમ દેવતા મુકીને આખી વસાહતમાં ફેરવવામાં આવી હતી.

સગીરા કરગરતી રહી રડતી રહી પણ કોઇનું હૃદય ન પીગળ્યું
તાલિબાની સજા અપાઈ એ સમયે સગીરા સતત કરગરતી રહી, રડતી રહી પરંતુ સમાજના આગેવાનો કે ઉપસ્થિત કોઇનું હૃદય પીગળ્યું ન હતું. સગીરાને આપવામા આવેલી આ સજાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

આ બાબતની તેમને જાણ નથીઃ પીએસઆઇ એસ.આર.ચૌધરી
હારીજના આ વાઇરલ વીડિયો અંગે હારીજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.આર.ચૌધરીનો દિવ્યભાસ્કરે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ બાબતની તેમને જાણ નથી. આવો કોઇ વાઈરલ થયેલો વીડિયો તેમની પાસે આવ્યો નથી. આ મામલે પોલીસમાં કોઇપણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ મળી ન હોવાનું તેમણે જણાવ્યું નથી.

દાહોદના ખજૂરીમાં પ્રેમી સાથે ભાગેલી પરિણીતાનાં કપડાં ફાડી જાહેરમાં અત્યાચાર ગુજારાયો
13 જુલાઈ 2021ના રોજ એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં પ્રેમી પાસે જતી રહેલી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની એક યુવતીને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવતાં ખભળાટ મચી ગયો હતો. પતિને યુવતીના ખભે બેસાડ્યા બાદ ગામમાં વરઘોડો કાઢવા સાથે પતિ અને દિયર દ્વારા જ તેને ગામલોકો વચ્ચે જ નિર્વસ્ત્ર પણ કરી દેવાઇ હતી. આ અંગેના વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની સાસરી પક્ષ સહિતના 19 લોકો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદઃ પરિવારજનોએ મહિલાને રસ્તામાં 20 ફૂટ ઢસડી-ઢસડીને મારી
17 ઓગસ્ટ 2021ના રોજ એક વીડિયો ફરતો થયો હતો. જેમાં દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે એમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. પોતાના જ પરિવારના 4 જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાં હતા.

પાટણ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું
હારીજમાં પ્રેમી યુગલને આપવામા આવેલી તાલીબાની સજાનો વીડિયો વાઈરલ થયા બાદ પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંગ ગુલાટી અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા હારીજ પહોંચ્યા છે. હારીજ પોલીસ દ્વારા વાદી વસાહતના 15 લોકોની કરી અટકાયત કરી લેવામા આવી છે. પોલીસ દ્વારા ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...