તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, Usurers With A Capital Of Rs 1 Lakh Made Rs 33.62 Lakh, Kidnapped A Young Man And Threatened To Sell His Wife And Daughter.

વ્યાજનું વિષચક્ર:પાટણમાં રુપિયા એક લાખની મૂડીના વ્યાજખોરોએ 33.62 લાખ કર્યાં, યુવકનું અપહરણ કરી લઈ ગયા, પત્ની અને દિકરીને વેચવાની ધમકી

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકના ઘર બહાર રોજ વ્યાજખોરોના આંટાફેરા
  • યુવક કંટાળીને ઘરેથી ભાગી ગયો તો પત્ની અને પિતાને માર માર્યો

પાટણમાં વ્યાજખોરોના ત્રાસના બનાવો અવાર નવાર સામે આવતા રહે છે તો કેટલાક કિસ્સા તો સામે પણ નથી આવતા પરંતું વ્યાજના વિસચક્રમાં અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. આવો જ એક બનાવ પાટણ શહેરમાં નાસ્તાની લારી ચલાવતા યુવક સાથે બન્યો છે જેમાં વ્યાજખોરોએ માસિક 15થી 20 ટકા સુધી વ્યાજ વસુલવા છતાં યુવક વ્યાજખોરોના ચક્રમાંથી છૂટી ન શક્યો ને તેનું વ્યાજખોરો અપહરણ કરી ગયા અને માર માર્યો તથા ઘરનાં સાથે મારામારી કરતાં આખરે યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે . પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં નાગરવાળા પોળીયુમાં રહેતા અને જૂના ગંજબજારમાં નાસ્તાની લારી ચલાવતા કેતન જગદીશભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે કે, લોકડાઉનમાં તેને પૈસાની જરૂરીયાત ઉભી થતાં તેણે તેના પરિચિત કરણ પીરાભાઈ દેસાઈ (રહે. વાગડોદ વાળા) પાસેથી એક લાખ રૂપિયા 15 ટકા માસિક વ્યાજે લીધા હતા, પરંતું લોકડાઉનમાં કોઈ આવક ન થતાં તેણે અન્ય એક સુનિલ ઠાકોર નામના શખ્સ પાસેથી દોઢ લાખ રૂપિયા લીધા હતા. જેનું તે માસિક 27 હજાર રૂપિયા લેખે વ્યાજ ઉમેરતો હતો. જેથી આ બંન્નેનું વ્યાજ ચૂકવવા કેતન પ્રજાપતિએ કરણ રાવલ નામના શખ્ત પાસેથી 20 ટકા માસિક વ્યાજે લઈ વ્યાજના રૂપિયા અરસપરસ કરતો હતો.

કેતન પ્રજાપતિ સંપૂર્ણપણે વ્યાજચક્રમાં ફસાઈ ગયો હતો, જેથી કુલ રૂપિયા સુનિલ ઠાકોરના 8.12 લાખ અને કરણ રાવલના 13 લાખ રૂપિયા થઈ ગયા હતા જેની પઠાણી ઉઘરાણી કરતા પિતરાઈ ભાઈના બેંકના ચેક પણ લઈ લીધા હતા. જેથી આખરે કેતન કંટાળીને ઘરેથી ભાગી ગયો હતો અને અમદાવાદ થોડાક દિવસ ભટકતો રહ્યો હતો અને આખરે ભાવનગર ખાતે ઘરે જતાં ત્યાંથી કેતનના પિતા અને પરિજનો કેતનને ફરી પાટણ લઈ આવ્યા હતા, પરંતું વ્યાજખોરોએ પીછો ન છોડતાં દરરોજ કેતનના ઘરની બહાર માણસોને બેસાડી રાખતા હતા અને બહાર નીકળે તો પૈસાની માંગણી કરી ધમકીઓ આપતા હતા અને રૂપિયા નહી આપે તો કેતનની પત્ની અને પુત્રીને ઉઠાવી જઈએ તેમને વેચીને પણ રૂપિયા વસૂલવાની ધમકી આપતાં આખરે કેતને કુલ છ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેતનનું અપહરણ કરી લઈ ગયા, ગોંધી રાખી માર પણ માર્યો
ફરિયાદી કેતન પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ રૂપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ તેના ઘરની બહારથી તેનું અપહરણ કરી વાગડોદ ખાતે આવેલા કરણ દેસાઈના વાડામાં લઈ જઈ તેને બાંધી દીધો હતો અને ગોંધી રાખ્યો હતો અને રૂપિયા નહી આપે ત્યાં સુધી તેમની સાથે જ રહેવું પડશે તેવી ધમકી આપી માર માર્યો હતો, પરંતુ રાત્રે ઘરે મૂકી ગયા હતા અને બીજા ત્રણ દિવસ સુધી દરરોજ કેતનને વ્યાજખોરોના માણસો આવી વાહનોમાં બેસાડી ઉઠાવી જતા અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેને ધમકીઓ આપતાં આખરે કંટાળીને કેતને ફરિયાદ નોંધાવી

વ્યાજખોરોએ પરિવાર જનોને પણ માર માર્યો, યુવકની પત્ની ઇજાગ્રસ્ત
કેતન પ્રજાપતિની સાથોસાથ તેનો આખો પરિવાર વ્યાજખોરોની અસહ્ય યાતના ભોગવી રહ્યો હતો કારણ કે જ્યારે કેતન વ્યાજ ખોરોથી ત્રાસીને ઘર છોડી જતો રહ્યો હતો ત્યારે આ વ્યાજખોરો અને તેના માણસો કેતનના ઘરે આવી તેના પિતા, પત્ની અને પુત્રીને ત્રાસ આપતા હતા અને જ્યાં સુધી કેતન રૂપિયા નહી ચૂકવે ત્યાં સુધી રોજ આવીશું અને આખરે કેતનની પત્ની અને પુત્રીને ઉઠાવી જઈ તેમને વેચીને પણ પૈસા વસૂલીશું તેવી ગર્ભત ધમકીઓ આપતા હતા અને એક વખત તો વ્યાજખોરોએ કેતનની હાજરીમાં તેને તથા તેના પરિજનોને માર મારતાં તેની પત્નીને ઈજાઓ પણ થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

રૂપિયાનું વ્યાજચક્ર સવા વર્ષમાં 33.62 લાખે પહોંચી ગયું
આ સમગ્ર મામલામાં મહત્વની બાબત એ છે કે, લોકડાઉન શરૂ થતાં કેતને રૂપિયાની જરૂરીયાત હોવાથી માત્ર એક લાખ રૂપિયા 15 ટકા માસિક વ્યાજે કરણ દેસાઈ પાસેથી લીધા હતા જેનું વ્યાજ ચૂકવવા સુનિલ ઠાકોર પાસેથી કેતને 1.50 લાખ માસિક 27 હજાર રૂપિયાના વ્યાજદરે લીધા હતા અને આ વ્યાજનું પણ વ્યાજ ચડતું હતું. જે ચૂકવવા કરણ રાવલ પાસેથી 20 ટકા માસિક વ્યાજે પૈસા લીધા હતા જે ચૂકવી ન શકતાં આ ત્રણેયના વ્યાજચક્રો પવન ગતિને વધીને સવા વર્ષમાં 33.62 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા હતા જે કોઈપણ વ્યક્તિ માટે ચૂકવવા શક્ય જ નથી કારણ કે આ નિર્દયી વ્યાજખોરો વ્યાજનું પણ વ્યાજ વસૂલતા હોવાથી આ વ્યાજના વિષચક્રમાંથી કોઈ વ્યક્તિ બહાર આવી શકતો નથી .

આ વ્યાજખોરો અને તેમના સાગરિતો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
1. કરણ પીરાભાઈ દેસાઈ (રહે. વાગડોદ, તા. સરસ્વતી જિ. પાટણ)
2. સુનિલ ઠાકોર (રહે. વેરાઈ ચકલા પાટણ)
3. કરણ અનિલભાઈ રાવલ (રહે. ફાઈવ એલ.પી. ભવન સામે સિદ્ધપુર રોડ, પાટણ)
4. ભરતજી ઠાકોર (રહે. રામનગર, પાટણ)
5. હાલ પ્રજાપતિ (રહે. વેરાઈ ચકલા, પાટણ)
6.અજય (રહે. પાટણ)

અન્ય સમાચારો પણ છે...