ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઠંડા પીણાની માંગ વધતી હોય છે. ત્યારે આ તકનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ ઉનાળામાં ઉપયોગી ખાદ્ય વસ્તુઓમાં ભેળ સેળ કરી મોટી આવક રળી લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા હોય છે. જેને લઈ પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બુધવારના રોજ પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના અધીકારીઓ સહિતની ટીમ દ્વારા શહેરના ચાર જુદા-જુદા સ્થળોએ ઓચિંતી તપાસ હાથ ધરી કેરીના રસ, શિખંડ, મીઠો માવો અને મિઠાઈના સેમ્પલ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગની કચેરીનાં અધીકારી વિપુલ ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે, પાટણ શહેરમાં ઉનાળાની સિઝનમાં ઉપયોગી ખાદ્ય સામગ્રી જેવા કે, કેરી રસ, શીખંડ, માવો, મિઠાઈ સહિતની વસ્તુઓમાં કેટલાક વેપારીઓ દ્વારા ભેળ સેળ કરાતી હોવાની બાબતને લઈને બુધવારના રોજ ટીમ દ્વારા શહેરના બુકડી ચોકમાં આવેલી દિલીપકુમાર નારણદાસ મોદીની ગણેશ સ્વીટ માર્ટ નામની દુકાન ઉપર આકસ્મિક તપાસ હાથ ધરી શંકાસ્પદ મેંગો મીઠો લુઝ અને મીઠો માવાનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. તો આજ વિસ્તારમાં આવેલી રજનીકાંત ગોવિદલાલ મોદીની ચંદન સ્વીટ એન્ડ મઠ્ઠો પાર્લર નામની દુકાન ઉપર પણ આકસ્મિક તપાસ હાથ ધરી શંકાસ્પદ મેંગો મીઠો લુઝ અને કેસર પિસ્તા મઠ્ઠો લુઝનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. તો પટેલ જયેશકુમાર ઈશ્વરલાલની સિધ્ધપુર ચાર રસ્તા, તિરૂપતિ માર્કેટમાં આવેલી ન્યુ પટેલ રસ નામની દુકાન પરથી શંકાસ્પદ કેરીનો રસ લુઝનાં સેમ્પલ લેવામાં આવ્યા છે.
પટેલ વિપુલભાઈ વિઠ્ઠલભાઈની જલારામ મંદિર સામે આવેલી શ્રીજી રસ ભંડાર નામની દુકાન પર ઓચિંતી તપાસ હાથ ધરી શંકાસ્પદ જણાતા કેરીના રસ લુઝનાં સેમ્પલ મેળવી તેને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હોવાનું અને ઉપરોક્ત ચારેય સ્થળ પર થી કુલ 14 કિલો મિઠો માવો, 5 કિલો મિઠાઈ, 8 કિલો મઠ્ઠો અને 56 કિલો કેરીના રસનો નાશ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મામલે હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં કચેરી અધીકારી વિપુલ ચૌધરી, ફુડ ઈન્સપેક્ટર એમ.એમ.પટેલ, યુ.એચ.રાવલ, એચ.બી. ગુર્જર સહિતનો સ્ટાફ જોડાયો હતો. પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગની આકસ્મિક તપાસને લઈને ખાદ્ય પદાર્થોમાં ભેળ સેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.