રજૂઆત:પાટણમાં પ્રાથમિક શિક્ષકોનો વધ-ઘટ બદલી કેમ્પ ન કરાતા શિક્ષકોમાં કચવાટ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ધો 1 થી 5ની લાયકાત ધરાવતા શિક્ષકો ધો-6 થી 8માં પણ અભ્યાસ કરાવી રહ્યા છે: ધારાસભ્યે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી

સમગ્ર રાજ્યમાં એકમાત્ર પાટણ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોના વધઘટ બદલી કેમ્પ કરવામાં ન આવતા પ્રાથમિક શિક્ષકોમાં કચવાટ ઉભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા એક એપ્રિલ 2022ના રોજ બદલીના નિયમો અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં જિલ્લાના વધઘટ અને અન્ય બીજા કેમ્પ નવી ભરતી પહેલા કરવાનું જણાવવામાં આવેલું છે તેનો અમલ રાજ્યના દરેક જિલ્લામાં થઈ રહ્યો છે.

પરંતુ પાટણ જિલ્લામાં વધઘટનો બદલી કેમ્પ કરવામાં આવ્યો નથી જેના લીધે વર્ષોથી ઊંચું મેરિટ અને અનુભવ ધરાવતા શિક્ષકોને તેમના વતનથી દૂર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જિલ્લામાં લગભગ 80થી 100 જેટલા શિક્ષકો વતનથી દુરના તાલુકામાં ફરજ બજાવી રહ્યા છે અને પરિવારથી દૂર રહે છે ઘણા શિક્ષકોને તેમની નોકરીના માત્ર પાંચેક વર્ષ જ બાકી છે આવા શિક્ષકોને અન્યાય થઈ રહ્યો છે ત્યારે શિક્ષકોનો વધઘટ બદલી કેમ્પ કરવામાં ન આવતા શિક્ષકોમાં કચવાટ ઉભો થયો છે.

આ બાબતે પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પાટણ જિલ્લામાં વધઘટ બદલી કેમ્પ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના શિક્ષકોને મોટું નુકસાન થશે તેવી જાણકારી આપી છે અને તાત્કાલિક બદલી કેમ્પ કરવા માટે માગણી પણ કરી છે જેમાં બદલી કેમ્પ ન કરવાથી શિક્ષકોને અન્યાય થતો હોવાનો અને જિલ્લામાં ધોરણ એક થી પાંચની લાયકાત ધરાવતા શિક્ષકો ધોરણ છ થી આઠમાં પણ કામ કરી રહ્યા હોવાની બાબત શિક્ષણ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...