• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, The Kshatriya Yuva Thakor Sena Held A Public Outcry Rally From Gandhibagh, Demanding The Addition Of The Attempted Murder Clause Against Policemen.

ઠાકોર સમાજના યુવાનોને માર મારવાનો મામલો:પાટણમાં ક્ષત્રિય યુવા ઠાકોર સેનાએ ગાંધીબાગ ખાતેથી જનઆક્રોશ રેલી યોજી, પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસની કલમ ઉમેરવા માગ કરી

પાટણ2 મહિનો પહેલા
  • કડક કાર્યવાહી ન થાય તો પાટણ બંધનું એલાન આપવાની ચીમકી
  • પોલીસ કર્મચારી સામે 307 - 24-25-26 જેવી કલમો ટાંકી ગુનો નહીં નોંધાય તો જીલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા યોજવામાં આવશે. અભિજીત બારડ

પાટણ તાલુકાના વામૈયા ગામના બે યુવાન વેપારીઓ પર તાજેતરમાં પાટણ એલસીબી પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જે મુદ્દે આજે પોલીસની દમનગીરી સામે ક્ષત્રિય યુવા ઠાકોર સેના દ્વારા ગાંધીબાગ ખાતેથી જનઆક્રોશ રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પાટણ સિધ્ધપુર હાઇવે સ્થિત સરદાર કોમ્પલેક્ષમાં ફેબ્રીકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વામૈયાના બે યુવાન વેપારીઓ સાથે થોડા દિવસ અગાઉ ગાડી ઉભી રાખવા જેવી નજીવી બાબતે થયેલ બોલાચાલી બાદ પાટણ એલસીબી પોલીસ દ્વારા આ બંને યુવાનોને પોલીસવાનનો દુરઉપયોગ કરી એલસીબી શાખા ખાતે લાવી તેઓ પર પોલીસે ગુજારેલી દમનગીરીને લઇ આજે આ બંને યુવાનો હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઇ રહ્યા છે.

ત્યારે આ મુદ્દે અગાઉ સમસ્ત વામૈયા ગામના ઠાકોરો સહિત સમાજના આગેવાનો દ્વારા કસુરવારો સામે સામાન્ય નાગરિક વિરુધ્ધ નોંધાતી ફરિયાદ નોંધવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી પોલીસ દ્વારા માત્ર એનસી ફરીયાદ નોંધી આરોપીઓને છાવરવામાં આવતા હોય તેવા વર્તનને લઇ આજે ક્ષત્રિય યુવા સેના દ્વારા ગાંધીબાગ ખાતેથી રક્ષક બન્યા ભક્ષકના બેનરો સાથે જનઆક્રોશ રેલી યોજવામાં આવી હતી.

આ રેલીમાં મોટીસંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાયા હતા. જે રેલી જીલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચતા રેલીમાં જોડાયેલા સમાજના લોકોએ પોલીસ વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. ત્યારબાદ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આ મુદ્દે ક્ષત્રિય ઠાકોર યુવા અધ્યક્ષ અભિજીત બારડે જણાવ્યું હતું કે, જો ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અધિકારી કે પોલીસ કર્મચારી સામે 307 - 324-325-326 જેવી કલમો ટાંકી ગુનો નહીં નોંધાય તો જીલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા યોજવામાં આવશે. તેમજ જરુર પડશે તો પાટણ બંધનું પણ એલાન આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...