પાટણ શહેરમાં ઈમાનદારીનો કિસ્સો શુક્રવારે રાત્રે સામે આવ્યો છે. જેમાં એક યુવતી રીક્ષામાં પોતાનું લેપટોપ ભુલી ગઈ હતી. જે રીક્ષા ચાલકના ધ્યાનમાં આવતા તેણે યુવતીના ઘરનું સરનામું ગોતી યુવતીને આ લેપટોપ પરત આપ્યું હતું. જેથી પરિવારજનોએ આ રીક્ષા ચાલકની ઈમાનદારીને સરાહનીય ગણાવીને આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણ શહેરમાં રહેતા મહેન્દ્ર પટેલની દિકરી કૃપા ભાવિક કુમાર પરિવાર સાથે આઈસ્ક્રીમ ખાવા માટે રીક્ષા ભાડે કરીને બજારમાં આવ્યાં હતા. ત્યારે કૃપા પોતાનું લેપટોપ રીક્ષામાં ભુલી આઈસ્ક્રીમ ખાવા માટે જતી રહી હતી જે બાદ રીક્ષા ચાલક પણ પોતાની રિક્ષા લઈ રવાના થયો હતો.
થોડીવાર બાદ કૃપાને રીક્ષામાં મુકેલું લેપટોપ યાદ આવતા તેણીએ પરિવાર સાથે રિક્ષા ચાલકની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ જગ્યાએ રીક્ષા ચાલકનો પત્તો ન લાગતા તેઓ પરિવાર સાથે પાટણ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે તેઓની પાસે અરજી લખાવી હતી. બાદમાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યાં હતા, પરંતુ કોઈ કેમેરામાં રીક્ષા જોવા ન મળતા પરિવાર વિમાસણમાં મુકાઈ ઘરે પરત આવ્યો હતો, આ વચ્ચે શહેરના ખોખરવાડા,હિમજા માતાજી મંદિર સામે રહેતા રીક્ષા ચાલક હિતેશભાઈ ધનજી ભાઈ પ્રજાપતિ લેપટોપ લઇને મહેન્દ્રભાઈ પટેલના ઘરનું સરનામું પુછતાં આવી ચડયા હતા અને પોતાની રીક્ષામાં ભૂલી ગયેલા કૃપાનું લેપટોપ પરત આપ્યું હતું. જેને લઈ પરિવારજનોમાં આનંદ છવાયો હતો અને સામાન્ય રિક્ષા ચાલકની ઈમાનદારીને સરાહનીય લેખાવી આભાર પ્રગટ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.