ACBની સફળ ટ્રેપ:પાટણમાં તલાટી મંત્રી અને VCA રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા ઝડપાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાની જારૂષા ગ્રામ પંચાયત કચેરીમાં એસીબીએ સફળ ટ્રેપ કરી જારૂષાના VCA અને કોલિવાડાના તલાટી મંત્રીને રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. મકાનની આકારણી કાઢી આપવા માટે તલાટી મંત્રી વતી VCA દ્વારા ફરિયાદી પાસે રૂપિયા ત્રણ હજારની લાંચ માગવામાં આવી હતી. ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા.

મકાનની આકારણી કાઢી આપવા બદલ લાંચ માગી હતી
પાટણના સાંતલપુર તાલુકાની કોલિવાડા ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા પ્રિયાંકકુમાર પ્રહલાદભાઈ પટેલ વતી જારૂષા ગ્રામ પંચાયતમાં VCA તરીકે ફરજ બજાવતા રાકેશકુમાર કાનદાસ સાધુએ ફરિયાદી પાસે રૂપિયા ત્રણ હજારની લાંચ માગી હતી. આ કામના ફરિયાદીના મોટા ભાઈના મકાનની આકારણી કાઢી આપવા બદલ આરોપીએ લાંચની માગણી કરી હતી. પરંતુ, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીએ આજે જારૂષા ગ્રામ પંચાયતની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. રાકેશ સાધુએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. ત્યારબાદ તલાટી પ્રિયાંકકુમાર સાથે ટેલિફોનથી વાત કરી હતી. એસીબીએ બંનેને ડીટેઈન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પાટણના સાંતલપુર તાલુકાની જારૂષા ગ્રામ પંચાયતમાં એસીબીએ સફળ ટ્રેપ કરી જારૂષાના VCA અને કોલિવાડાના તલાટી લાંચ લેતા ઝડપાતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...