પાટણ શહેરના હરિહર મહાદેવ માતરવાડી વિસ્તારમાંથી પસાર થતી સરસ્વતી બેરેજની ખુલ્લી પેટા કેનાલમાં આસપાસના સોસાયટીના રહીશો દ્વારા ભૂગર્ભ ગટરના જોડાણ ગેરકાયદેસર રીતે કરી દેતા સમગ્ર કેનાલમાં અસહ્ય ગંદકી અને દુર્ગંધ મચ્છર વગેરેનો ઉપદ્રવ થતાં અન્ય રહીશો ત્રાસી ગયા છે.
આ અંગે વોર્ડની રાત્રી સભામાં રહીશો દ્વારા ભારે રોષ વ્યક્ત કર્યો હતો જેને પગલે ઘટતી કાર્યવાહી કરવા મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા આશ્વાસન આપ્યું હતું. આ વિસ્તારમાં ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન કાર્યરત છે ત્યારે કાયદેસર રીતે ભૂગર્ભ ગટર જોડાણ મેળવી લેવા લોકોને સૂચિત કરાયું હતું.
કલેકટરના આદેશની શહેરમાં અલગ અલગ વોર્ડની રાત્રી સભા શરૂ કરી છે જેમાં ટીબી ચાર રસ્તા પાસે આવેલ આનંદ પ્રકાશ હાઇસ્કુલ માં વોર્ડ રાત્રિ સભા મામલતદાર ડીડી પરમાર અને ચીફ ઓફિસર સંદીપ પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં પાણી સફાઈ ગંદકી સહિતના પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરાયા હતા, જેમાં મુખ્ય પ્રશ્ન ખુલ્લી કેનાલમાં ભૂગર્ભ ગટરના પાણી નાખવાનો હતો.
સરસ્વતી બેરેજ ખાતેથી ખુલ્લી સિંચાઈ પેટા કેનાલ માતરવાડી, ઊંઝા ત્રણ રસ્તા, પદમનાથ થઈને સિદ્ધિ સરોવર પહોંચે છે. જેમાં માતરવાડી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલવિલા તેમજ અન્ય સોસાયટીના રહીશો દ્વારા ભૂગર્ભ ગટરના પાણી ઠલવાતા કેનાલમાં ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને ભારે દુર્ગંધના કારણે રહી શકાતું નથી.
કાયદેસર જોડાણ મેળવવા લોકોને સલાહ
તંત્ર દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે સોસાયટીના ભૂગર્ભ ગટરના આઉટલેટ સિંચાઈ વિભાગની મંજૂરી લીધા વગર જ સીધે સીધા ખુલ્લી કેનાલમાં જોડી દેવાયા હોવાથી આ સમસ્યા સર્જાય છે .અગાઉ નગરપાલિકા દ્વારા આઉટલેટ બંધ કરાયા હતા પરંતુ ફરીથી ખોલી દેવાયા છે .આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પંપિંગ સ્ટેશન જીયુડીસી દ્વારા કાર્યરત છે ત્યારે કાયદેસર જોડાણ લેવા માટે સલાહ પાલિકાના સૂત્રોએ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.