પોસ્ટલ બેલેટથી મતદાન:પાટણમાં પોલીસકર્મીઓ અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી તા.01.12.2022 અને 05.12.2022 ના રોજ પ્રથમ અને બીજા તબક્કામાં મતદાન થવાનું છે. કોઈપણ નાગરિક મતદાન કરવાના પોતાના અમૂલ્ય અધિકારથી વંચિત ન રહે તેવું આયોજન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે. આ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં કાર્યરત તમામ અધિકારીઓ પણ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે.

મતદાનના દિવસે જે કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા હોય તેઓ દ્વારા મતદાનના અગાઉ જ નિયત કરેલા દિવસે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવે છે. જેમાં આજરોજ પાટણ જિલ્લામાં પોલીસ સ્ટાફ અને હોમગાર્ડના જવાનો દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન કરવામાં આવ્યું હતું.

પાટણ ખાતે આવેલ કે.ડી.પોલીટેકનીક કોલેજ ખાતે પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોએ જોડાઈને મતદાન કર્યું હતું. 18-પાટણ,19-સિદ્ધપુર,16-રાધનપુર અને 17-ચાણસ્મા વિધાનસભા પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજરોજ કુલ 300 જેટલા હોમગાર્ડ જવાન અને 300 જેટલા પોલીસ સ્ટાફે મતપત્ર દ્વારા મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવામાં સહયોગ આપ્યો હતો. સવારથી જ પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાનો પવિત્ર મત આપીને પોતાની ફરજ અદા કરી હતી. મતદાન કરતાં જવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આજરોજ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટીએ સ્થળ પર આવીને તમામ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતુ અને જવાનોને મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા.ચૂંટણી પ્રક્રિયામાં અવિરત કાર્યરત તમામ અધિકારીઓ-કર્મચારીઓ પણ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે.આવા તમામ અધિકારી-કર્મચારીઓ દ્વારા નિયત નમૂનામાં ફોર્મ 12-ડી મગાવવામાં આવ્યા હતા. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આ 12-ડી ફોર્મ ભરીને આજરોજ નિયત સમયે મતપત્ર દ્વારા મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...