વિરોધ:પાટણમાં પાણી અને ગટર મુદ્દે કોંગ્રેસ શહેરે પાલિકામાં સૂત્રોચ્ચાર કરી માટલા ફોડ્યા

પાટણ15 દિવસ પહેલા
  • પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસમાં માટલા ફોડી વિરોધ કર્યો

પાટણમાં પાણી, સ્વચ્છતા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટો સહિતની શહેરીજનોની મુશ્કેલીઓને વાંચા આપવા શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાનાં વિરોધમાં માટલા ફોડી સૂત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. પાટણ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા પાણી, સ્વચ્છતા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટો સહિતની શહેરીજનોની મુશ્કેલીઓને વાંચા આપવા નગરપાલિકાનાં વિરોધમાં માટલા ફોડી સૂત્રોચાર કરવામાં આવ્યાં હતાં.

શહેર કોંગ્રેસ દ્વારા નગર સેવકોનાં વિરોધમાં શહેરના હિગળા ચાચર ચોકમાં એકત્ર થઇ માથા ઉપર ખાલી માટલા મૂકી સુત્રોચ્ચાર કરી રોડ ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાઈક રેલી સાથે પાલિકા કેમ્પસ ખાતે આવી હંગામો મચાવ્યો હતો.

આ સમય દરમિયાન પાલિકા ખાતે જવાબદાર અધિકારીઓ હાજર ન રહેતા ઉશ્કેરાયેલા પાટણ શહેર મહિલા કોંગ્રેસ સમિતિના મહિલા કાર્યકર્તાઓએ પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં ધસી આવી તેઓની ખુરશી અને ટેબલ સહિત ઓફિસની ફર્સ ઉપર માટલાં ફોડતાં અફડા તફડી મચી જવા પામી હતી. આ અંગે કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નીવડી છે. જ્યારથી નગરપાલિકાની સતા ધુરા ભાજપ શાસિત બની છે ત્યારથી શહેરીજનોને પીવાનૈ પાણીની સમસ્યા, ભૂગર્ભ ગટરની સમસ્યા, સ્વચ્છતાની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યા અને સ્ટ્રીટ લાઈટની સમસ્યા સહિતની પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓને લઈને શહેરીજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.

આ ઉપરાંત પાટણ નગરપાલિકાના રેલવે ગરનાળા પાસે આવેલા રહેણાક વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરના પાણી આવતા હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. જેના કારણે લોકોને પાણી જન્ય રોગનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ મોટાભાગના લોકો બિમારીમાં સપડાયાં હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારના જાહેર માર્ગ ઉપર ભૂગર્ભ ગટરના દુષિત પાણી રેલાતા હોવાથી અહીં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયુ છે તેમજ આજુબાજુ વિસ્તારમાં એટલા મોટા પ્રમાણમાં દુર્ગંધ મારે છે જેના કારણે વેપારીઓ તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓને નાક બંધ કરીને નીકળવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ વિસ્તારના કોર્પોરેટર તેમજ નગરપાલિકાને છેલ્લા છ દિવસથી રહિશો દ્વારા જાણકારી આપવામાં આવી હોવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી આજ દિન સુધી હાથ ધરવામાં ન આવતા પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ ઉભો થવા પામ્યો છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...