• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, Many People, Including 18 Sadhus Sadhviji Bhagwant Of The Tristutik Community, Performed Penance On The Line Of Iyengar.

ધાર્મિક કાર્યક્રમ:પાટણમાં ત્રિસ્તુતિક સમુદાયના 18 સાધુ સાધ્વીજી ભગવંત સહિત અનેક લોકોએ આયંબિલની ઓળીની તપસ્યા કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાધનામાં સહાયક શરીરના પોષણ માટે આહાર જરૂરી છે પણ સ્વાદ જરૂરી નથીઃ ચારિત્રરત્નવિજય આયંબિલની ઓળી વર્ષમાં બે વાર આવે છે

પાટણમાં ત્રિસ્તુતિક સમુદાયના 18 સાધુ સાધ્વીજી ભગવંત સહિત અનેક લોકોએ ઓળીની તપસ્યા કરી હતી. ત્યારે પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સુરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજે કહ્યું કે, આયંબિલ એ મન અને સ્વાદને જીતવાની આરાધના છે. સાધનામાં સહાયક શરીરના પોષણ માટે આહાર જરૂરી છે પણ સ્વાદ જરૂરી નથી. સ્વાદ અને મનના કારણે જે અવશ્ય ભોગવવા પડે એવા નિકાચિત કર્મો બંધાય છે. જેને આ ભવે જીભના સ્વાદમાં મજા નહીં, એને આવતા ભવમાં સજા નહીં. એટલે જીભના સ્વાદને મન સુધી પહોંચાડવા ન દે તે આયંબિલની આરાધના છે.

આયંબિલ એ જૈન ધર્મની અનંતા અંતરાય કર્મોને ક્ષય કરાવતી શ્રેષ્ઠ સાધના છે, જૈનો તેમજ બીજા લોકો પણ શ્રદ્ધાથી આ સાધનાનો લાભ લે છે, નવ દિવસની આ આરાધનાને આયંબિલની ઓળી કહેવાય છે, આ ધર્મ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ સાધના છે.

ભારત સહિત વિદેશોમાં ચાલી રહેલા જૈન ધર્મની નવ દિવસીય ઓળી આરાધનાની પુર્ણાહુતી પ્રસંગે ચારિત્રરત્ન વિજયજી મહારાજે વધુમાં કહ્યું કે, આયંબિલની ઓળી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર મહિનામાં જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો મહિનો છે ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પૂનમ. બીજી આસો મહિનામાં જે ચોમાસાનો અંત અને શિયાળાની શરૂઆતનો મહિનો છે આસો સુદ સાતમથી આસો સુદ પૂનમ.

ઓળીમાં કરવામાં આવતા આયંબિલ તપના બાબતે ત્રિસ્તુતિક ઉપાશ્રયનાં અગ્રણીઓએ જણાવ્યું કે, આધ્યાત્મિક દ્રષ્ટિએ તો આયંબિલ્ તપ શ્રેષ્ઠ છે પરંતુ આયુર્વેદીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આયંબિલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેલ, ઘી વગરનો આહાર વાપરવાથી લીવરને રાહત મળે છે. શરીર અને મન બંને પ્રસન્ન રહે છે, જે સાધનામાં સહાયક બને છે. આયંબિલની ઓળી વર્ષમાં બે વાર ચૈત્ર તથા આસો માસમાં આવે છે. આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત, પિત્ત અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે. તેથી આ દિવસોમાં તપ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેથી જ તમામ દર્દનું ઔષધ તપને ગણવામાં આવે છે. ધમેની દ્રષ્ટિએ તપ એ નિજેરા માટેનું ઉત્તમોત્તમ સાધન છે.

આ ઓળીની આરાધનામાં પાટણમાં ત્રિસ્તુતિક સમુદાયના મુનિરાજ નિક્ષેપરત્ન વિજય, વયોવૃદ્ધ મુનિરાજ સાધ્યરત્ન વિજય, મુનિરાજ નિસંગરત્ન વિજય સહિત 18 સાધુ સાધ્વીજી ભગવંત અને નગરમાં બિરાજમાન સાધુ સાધ્વીજી ભગવંત તેમજ અનેક લોકોએ ઓળીની તપસ્યા કરી હતી. મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજની પ્રેરણાથી પાટણ નગર પાલિકા ચીફ ઓફિસર પાંચાભાઈ માલીએ પણ આ નવ દિવસ આરાધનામાં જોડાઈને ઓળી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...